રાજકોટ શહેરના થોરાળા નજીક આવેલ 80 ફૂટ રોડ પર બાઇકમાં જઈ રહેલા વૃધ્ધ દંપતીને ટ્રક ચાલકે હડફેટે લીધા હતા. ઘટનાના 21માં દિવસે ઈજાગ્રસ્ત 65 વર્ષીય જંબુનબેને સારવારમાં દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો હતો.
મળતી વિગતો મુજબ, ગત તારીખ 23/3 ના થોરાળા વિસ્તારમાં રહેતા કાથળભાઈ રાવમા અને તેમના પત્ની જંબુનબેને બાઈક પર જઈ રહ્યા હોય દરમિયાન ફિલ્ડમાર્શલ પાસે 80 ફૂટ રોડ પર પુરપાટ ઝડપે આવેલ એક ટ્રક ચાલકે દંપિતના બાઇકને ઠોકરે લીધું હતું, આ ઘટનામાં ૬૫ વર્ષીય જંબુનબેન રાવમા ગંભીર ઈજા પહોંચી હોય જેથી તેઓને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં 21 દિવસ સુધી ચાલેલી સારવાર બાદ રવિવારે તેણીએ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે. બનાવ અંગે થોરાળા પોલીસે પરિવારનું નિવેદન નોંધી અજાણ્યા ટ્રક ચાલક વિરુધ્ધ ગુન્હો નોંધવા તજવીજ હાથધરી છે.
અક્સમાતના વધુ એક બનાવમાં જસદણ રહેતો 45 વર્ષીય ઉકેશભાઈ મનજીભાઈ ડાભી નામનો યુવક શનિવારે રાજકોટથી જસદણ જઈ રહ્યો હોય તે દરમિયાન કોઈ કારણસર તેનું બાઈક હાઈવે પર આખલા સાથે અથડાતાં તેને 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ગિરિરાજ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો. જ્યાં યુવકે દમ તોડી દેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.