સંઘની વિચારધારા ગાંધી અને આંબેડકર વિરોધી : અમદાવાદમાં વર્કિંગ કમિટીની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન
અમદાવાદમાં મંગળવારે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક સંપન્ન થઇ હતી. એક તરફ આ બેઠકમાં સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુને આધુનિક ભારતના નિર્માતા ગણાવાયા હતા તો બીજી બાજુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ગાંધી અને આંબેડકર વિરોધી ગણાવાયું હતું. કોંગ્રેસ વર્કિંગ કમિટી એ ભવિષ્યની રૂપરેખા, જિલ્લા કોંગ્રેસ કમિટીઓ ને સશક્ત બનાવવા સહિત સંગઠનની મજબૂતી, જવાબદારી નક્કી કરવા અને આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ પર મંથન કર્યું હતું. વર્કિંગ કમિટીની બેઠકને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સંબોધી હતી. આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સહિતના રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં બંધારણની આઝાદીની લડાઈને વધુ ઉગ્ર બનાવવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.
આ બેઠકને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, કોંગ્રેસ 140 વર્ષના ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મળી તેમાં ગુજરાત અવ્વલ છે. આજે અમે ફરી અહીંથી પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ. અમારી અસલી શક્તિ દેશની એકતા-અખંડિતતા તથા સામાજિક ન્યાયની વિચારધારા છે.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કહ્યું, “ ગુજરાતની ધરતી પર જન્મેલા ત્રણ મહાનુભાવોએ કોંગ્રેસનું નામ વિશ્વભરમાં જાણીતું કર્યું, દાદાભાઈ નૌરોજી, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ- આપણી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રહ્યા હતાં. ગાંધીજીએ આપણને અન્યાય સામે સત્ય અને અહિંસાનું શસ્ત્ર આપ્યું. આ એટલું મજબૂત વૈચારિક શસ્ત્ર છે કે કોઈ પણ શક્તિ તેની સામે ટકી શકતી નથી.”
ખડગેએ સરદાર અને નહેરૂના સંબંધ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, “તેઓ સરદાર પટેલ અને પંડિત નેહરુ વચ્ચેના સંબંધોને એવી રીતે દર્શાવવાનું કાવતરું ઘડે છે કે જાણે બંને નાયકો એકબીજાની વિરુદ્ધ હોય. જ્યારે સત્ય એ છે કે તેઓ એક જ સિક્કાની બે બાજુઓ હતા. ઘણી ઘટનાઓ અને દસ્તાવેજો તેમના સૌહાર્દપૂર્ણ સંબંધોના સાક્ષી છે. આ બાબતો જાહેર રેકોર્ડમાં નોંધાયેલી છે. બંને વચ્ચે લગભગ રોજ પત્રવ્યવહાર થતો હતો. નહેરુજી બધા વિષયો પર તેમની સલાહ લેતા હતા.
ખડગે એ કેન્દ્ર સરકાર પર ગાંધીજી અને બાબા સાહેબના અપમાનનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, “મોદી સરકારે સંસદ પરિસરમાંથી ગાંધીજી અને બાબા સાહેબની પ્રતિમાઓ હટાવીને અને તેમને એક ખૂણામાં મૂકીને તેમનું અપમાન કર્યું. ગૃહ પ્રધાને રાજ્યસભામાં બાબા સાહેબની મજાક ઉડાવી હતી.”
બોક્સ
ગુજરાતમાં શક્તિ લેવા આવ્યા
ગુજરાતમાં અધિવેશનના આયોજન અંગે ખડગે એ કહ્યું, “ગુજરાત એ એવો પ્રાંત છે જ્યાં કોંગ્રેસને તેના 140 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ શક્તિ મળી છે. આજે અમે ફરીથી અહીં પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ. આપણી વાસ્તવિક તાકાત આપણા દેશની એકતા અને અખંડિતતા અને સામાજિક ન્યાયની વિચારધારા છે.”તેમણે કહ્યું,હતું કે, રાષ્ટ્રીય અધિવેશનમાં પાર્ટી સામેના પડકારોની ચર્ચા કરીશું અને આગળનો રસ્તો પણ શોધીશું.