15 હજાર આપો તો, તમારા બાળકને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સિલેક્ટ કરાવી દઉં : અંડર 16માં સિલેક્શનના નામે છેતરપિંડી
તમારો બાબો ટેલન્ટેડ છે, થોડો ખર્ચ કરો તો હું તેને મેઘાલય ક્રિકેટ એસોશિએશનમાં રેફરી છું જેથી તમારા બાળકને અંડર સિક્સ્ટી ટીમમાં સિલેક્ટ કરાવી નેપાળ ખાતે રમાનારી ક્રિકેટ મેચમાં રમવા મોકલવાની ગોઠવણ કરી દઉં !!! મૂળ કચ્છના અને હાલમાં રાજકોટમાં ઉલ્લુ બનાવવાની પીએચડી કરી રહેલા અઠંગ ખેલાડીએ રાજકોટના અનેક વાલીઓ-વિદ્યાર્થીઓ અને ક્રિકેટ કોચને શીશામાં ઉતારી દઈ અત્યાર સુધીમાં 35 થી 40 લાખ રૂપિયા હડપ કરી લીધા હોવાનું સમયે આવ્યું છે. હાલમાં રાજકોટમાં જુદી-જુદી જગ્યાએ ક્રિકેટ કોચિંગમાં જતા બાળકોના વાલીઓને આ મહાઠગથી સાવધાન રહેવાના મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
ક્રિકેટમાં કમાણી અને ક્રિકેટરોની લાઈફ સ્ટાઇલ જોઈ આજના યુવાનો ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન બનાવવા માટે રણજીટ્રોફીથી લઈ અન્ય ટુર્નામેન્ટમાં સિલેક્ટ થવા તનતોડ મેહનત કરી જુદી-જુદી ક્રિકેટ એકેડેમીમાં સામેલ થઇ પરસેવા પાડી રહ્યા છે અને વાલીઓ પણ પોતના બાળકોમાં રહેલું ટેલેન્ટ બહાર આવે અને નસીબ જોગે નેશનલ લેવલે પસંદગી થઈ જાય તો બેડો પાર થઇ જાય તેવી આશાએ બાળકો પાછળ ખર્ચો કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં અભ્યાસ કરી ગયેલ મૂળ કચ્છના વતની ગઠિયાએ ક્રિકેટ પ્રત્યેનો લોકોનો લગાવ જોતા લોકોને લૂંટવા સુવ્યવસ્થિત પ્લાન સાથે અત્યાર સુધીમાં અનેક લોકોને શીશામાં ઉતારવામાં સફળ થયો છે. હાલમાં તો આ શખ્સ રાજકોટમાંથી અદ્રશ્ય બની ગયો હોવાનું પણ છેતરપિંડીનો ભૉગ બનેલા લોકો જણાવી રહ્યા છે.
રાજકોટથી B P.Ed અને M.P.Ed કરી હાલમાં સ્પોર્ટ્સમાં P.H.D કરી રહેલા મૂળ કચ્છના વતની એવા આ બુચ માંરુ ખેલાડીએ રાજકોટને છેતરવા અનોખો કીમિયો શોધી લોકોને છેતરી રહ્યો છે. પોતે મેઘાલય ક્રિકેટ એસોશિએશનમાં રેફરી હોવાનો દાવો કરી અનેક ક્રિકેટ કોચ તેમજ ક્રિકેટની ઉભરતી પ્રતિભાઓને સાણસામાં લેવા દાવ ખેલી રૂપિયા 15 હજાર ભરો તો તમારા બાળકને મેઘાલયની અંડર સિક્સ્ટી ક્રિકેટ ટીમમાં પસંદ કરાવી બાદમાં નેપાળ ખાતે યોજાનારી મેચમાં રમાડી નેશનલ લેવલે પસંદગી કરાવી લેવાની લાલચ આપતા રાજકોટના આઠથી નવ લોકો આ ભેજાબાજ ખેલાડીના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છે. જો કે, તમામ બાળકોના વાલીઓએ એક કોચને મધ્યસ્થી રાખી ગુગુલ પેથી અંદાજે 90 હજાર ચૂકવ્યા હતા. આ ચબરાક ભેજાબાજ ગઠિયાએ વાલીઓ અને કોચને વિશ્વાસમાં લેવા માટે ગો-આઈબીબોની અમદાવાદથી કાઠમંડુ સુધીની નકલી ટિકિટ અને મેઘાલય ક્રિકેટ એસોસીએશનના નકલી લેટર પેડ ઉપર તમારા બાળકો સિલેક્ટ થયાના નકલી લેટર પણ આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
છ મહિનામાં 35થી 40 લાખનું કરી નાખ્યું
ઠગાઈની પીએચડી કરવા મેદાનમાં ઉતરેલા કચ્છના અઠંગ ખેલાડીએ રાજકોટના યુનિવર્સીટી કેમ્પસમાં ક્રિકેટ કોચિંગ લેતા અનેક બાળકોના વાલીઓને બરાબરના સાણસામાં લઇ લીધા છે, છેલ્લા છ મહિનામાં જ આ શખ્સે વાલીઓ અને કોચને દિવા સ્વપ્ન બતાવી અંદાજે 35થી 40 લાખનું કરી નાખ્યું છે.આ શખ્સની મોડેસઓપરેંડી એવી છે કે, લોકો પાસેથી નાણાં મેળવી લઈ બાદમાં તેઓને બ્લોકમાં નાખી ગાયબ થઇ જાય છે અને થોડો સમય જતા બાદમાં ફરી મેદાનમાં આવી નવા શિકારને શોધી કાઢે છે.
મેઘાલયના નકલી રેફરી વિરુદ્ધ પોલીસ ફરિયાદની તજવીજ
રાજકોટ શહેરના વાલીઓને છેલ્લે ફેબ્રુઆરી માસમાં છેતરીને ભૂગર્ભમાં ઉતરી ગયેલા કચ્છના આ શખ્સ વિરુદ્ધ હાલમાં પોલીસ ફરિયાદ માટે ગતિવિધિ શરૂ થઇ છે, જો કે, કેટલાક બાળકોના વાલીઓ સરકારી નોકરિયાત હોવાથી 15-20 હજાર જેવી મામૂલી રકમ માટે ફરિયાદ કરવા ઇચ્છતા ન હોવાથી મધ્યસ્થી બનેલા કોચ પણ હાલમાં સૂડી વચ્ચે સોપારી થયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
યુનિવર્સિટીએ પણ ચેતવું જરૂરી
સૌરાષ્ટ્રના અલગ -અલગ જિલ્લાઓના ખેલાડીઓને નેશનલ કક્ષાએ સિલેક્શન કરાવી આપવાની લાલચે નાની-નાની રકમની છેતરપિંડી કરી અત્યાર સુધીમાં લાખો રૂપિયાનું કૌભાંડ આચરી અદ્રશ્ય બની ગયેલ બુચ માંરુ અઠંગ ખેલાડી હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પીએચડી કરી રહ્યો હોવાનું છેતરાયેલા લોકો અને કોચ જણાવી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ પણ ડોક્ટરેટની પદવી આપતા પૂર્વે આ મહાશયનો ઇતિહાસ -ભૂગોળ એક વખત ચેક કરવો જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે.