સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું દંડનું મેનુ તૈયાર : આવી ભૂલ કરી તો…સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફટકારશે રૂ.5000 સુધીનો દંડ
GCAS પોર્ટલ મારફત પ્રવેશમાં ચૂક થયે કોલેજો દંડાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ ક્ષતિઓ બદલ દંડનું મેનુ તૈયાર : 500થી લઈ 5000 રૂપિયા સુધીનો દંડ નક્કી કરાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હમણાં હમણાં નવું ગતકડું જાહેર કરી કરે કોઈ અને ભરે કોઈની નીતિ અખત્યાર કરી હોવાથી તેની સામે કોલેજ સંચાલકોમાં ગણગણાટ થઇ રહ્યો છે. ]
સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે ગુજરાત સરકાર દ્વારા GCAS પોર્ટલ અમલી બનાવ્યા બાદ હવે ઓનલાઈન ફોર્મ ભરવાથી લઈ પ્રવેશ પ્રક્રિયાની તમામ કામગીરી કોલેજો અને યુનિવર્સિટી ઉપર ઢોળી દેવાની સાથે કોઈપણ નાની મોટી ભૂલ થવાના કિસ્સામાં કે પોર્ટલ મારફતે પ્રવેશની કામગીરી ન કરવાના કિસ્સામાં કોલેજોને કસૂરવાર ઠેરવી કોલેજોના ખુલાસા પૂછવાની સાથે રૂ.500થી લઈ 5000 સુધીનો દંડ પેનલ્ટી ફટકારવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કમિટીમાં નિર્ણય લેવાતા કોલેજ સંચાલકોમાં કચવાટ ફેલાયો છે.
GCAS સેલ અમદાવાદના પત્ર અન્વયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા GCAS પોર્ટલ પ્રવેશની કામગીરીને લઈ તમામ સંલગ્ન કોલેજો અને યુનિવર્સિટીના તમામ ભવનોને અલગ અલગ 13 બાબતો અંગે પરિપત્ર થકી સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત કોલેજો કે ભવન દ્વારા GCAS કે યુનિવર્સીટીને ડેટા નહિ આપવાના કિસ્સામાં કોલેજને ખુલાસો પૂછવાની સાથે 500 રૂપિયા પેનલ્ટી, કોલેજ દ્વારા આપવામાં આવેલ ડેટામાં ક્ષતિ સુધારણા માટે ખુલાસો પૂછવો, સમયમર્યાદામાં GCASની કાર્યવાહી ન કરવાના કિસ્સામાં કોલેજને ખુલાસો કરવાની સાથે 1000 રૂપિયા દંડ કરવો જેવી જોગવાઈ કરવામાં આવી છે.
ઉપરાંત ફ્રી ફોર્મ ફીલિંગ સેન્ટર યોગ્ય રીતે કાર્યરત ન કરવું, ફ્રી ફોર્મ ફીલિંગ સેન્ટરમાં વિદ્યાર્થીઓ પાસેથી નાણા લેવા જેવા કિસ્સામાં કોલેજનો ખુલાસો ઉપરાંત 500થી 1000નો દંડ, વેરિફિકેશન સેન્ટર યોગ્ય રીતે ન ચાલવવાના કિસ્સામાં 500 પેનલ્ટી, GCASની કામગીરી શેડ્યુલ મુજબ ન કરવી, વેરિફિકેશન સેન્ટરમાં ઓરીજનલ દસ્તાવેજ રાખી લેવાના કિસ્સાની ફરિયાદ, ફી રિફંડ પોલીસી મુજબ વિદ્યાર્થીને પરત નહિ કરવાના કિસ્સામાં 5000ની પેનલ્ટી સહિતની વિવિધ જોગવાઈ કરવામાં આવી છે. આ સંજોગોમાં સરકારને કરવાની કામગીરી કોલેજો ઉપર થોપી દઈ ઉપર જતા વિવિધ દંડ, પેનલ્ટી અને ખુલાસા પૂછવાની નીતિ અખત્યાર કરવામાં આવતા કોલેજ સંચાલકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.