આજે સંસદમાં વકફ બિલ મુદ્દે ઘમાસાણ : સત્તા પક્ષ અને વિપક્ષ બંનેની તૈયારી, 8 કલાકની ચર્ચા થશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બુધવારે આજે લોકસભામાં બહુપ્રતિક્ષિત વક્ફ બોર્ડ સુધારા બિલ રજૂ કરશે. આઠ કલાકની ચર્ચા બાદ આના પર મતદાન થશે. અગાઉ આ બિલ સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું. સમિતિએ બિલમાં અનેક સુધારા સૂચવ્યા છે. આ સૂચનોને મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે. સરકાર આ બિલ પાસ કરાવી શકે તેવી સભ્ય સંખ્યા તેની પાસે છે.
આમ આજે સંસદમાં આરપારની લડાઈ થવાની છે. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજીજુએ એમ કહ્યું હતું કે સરકાર બધા જ પક્ષો સાથે ચર્ચા કરવા માંગે છે અને ૮ કલાકની ચર્ચા બાદ સરકાર જવાબ પણ આજે જ આપશે અને ખરડો પસાર કરાશે. લોકસભામાં આજે પ્રશ્નકાળ બાદ ૧૨ વાગે બિલ રજૂ થશે . વિપક્ષે ૧૨ કલાક ચર્ચાની માંગ કરી છે. જો કે ચર્ચાનો સમય વધારી પણ શકાય છે .
આ દરમિયાન સરકારના બે મુખ્ય સાથી પક્ષો ટીડીપી અને જેડી યુએ બાજી બંધ રાખી છે અને સરકારને ટેકો આપવા અંગે મંગળવાર સાંજ સુધી તેઓ અસમંજસમાં રહ્યા હતા. જો કે બંને દ્વારા જે સૂચનો કરાયા હતા તે બિલમાં સમાવી દેવાયા છે. બીજેડીના ૭ અને વાયએસઆરસીપીના ૯ સભ્યો છે. આ બંને પાર્ટી ગઠબંધનમાં નથી. તે શું કરે છે તેના પર ઘણો મદાર રહેશે.
દરમિયાનમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ દ્વારા સાંસદોને મંગળવારે જ સંસદમાં પૂરી હાજરી માટેનો વ્હીપ આપી દેવાયો હતો. કોંગ્રેસે તો ૩ દિવસ માટે પૂરી હાજરીનો વ્હીપ આપ્યો હતો.
હવે બિલ રજૂ થયા પછી તેનું અંતિમ સ્વરૂપ જાણી શકાશે. વિપક્ષી પાર્ટીઓ આ બિલનો જોરદાર વિરોધ કરી રહી છે. તેમનું કહેવું છે કે આના દ્વારા સરકાર મુસ્લિમોની દાનમાં આપેલી સંપત્તિ પર કબજો કરવા માંગે છે. તે જ સમયે, સરકારનું કહેવું છે કે વકફ બોર્ડની અબજો રૂપિયાની લાખો એકર જમીન અને મિલકતના વધુ સારા સંચાલન અને ગરીબ અને પછાત મુસ્લિમ સમુદાયના કલ્યાણમાં તેનો ઉપયોગ કરવા માટે આ બિલને કાનૂની સ્વરૂપ આપવું જરૂરી છે.
લોકસભા અને રાજ્યસભામાં એનડીએની સ્થિતિ પર નજર
લોકસભાની કૂલ સીટ ૫૪૩ છે . બહુમતી માટે ૨૭૨નો ફિગર છે. હાલમાં એનડીએ પાસે ૨૯૩ સાંસદો છે. જેમાં ભાજપના ૨૪૦ છે. બાકી તેની સહયોગી પાર્ટીઓના છે . એ જ રીતે રાજ્યસભામાં વર્તમાન સભ્ય સંખ્યા ૨૩૪ છે. બહુમતી માટે ૧૧૮નો ટેકો જરૂરી છે. ભાજપ પાસે પોતાના ૯૬ સાંસદો છે . એનડીએના સહયોગીઓ સાથે કૂલ સંખ્યા ૧૧૩ સુધી પહોંચે છે.
આ ઉપરાંત ૬ મનોનીત સભ્યો છે જે સામાન્ય રીતે સરકારના પક્ષમાં જ મત આપતા હોય છે. આ રીતે જોઈએ તો એનડીએ પાસે ૧૧૯ ની તાકાત ઓલરેડી છે.
રાજ્યસભામાં વિપક્ષના કૂલ સભ્યોની સંખ્યા ૮૫ સુધી પહોંચે છે . જો કેટલાક સાંસદો ગેરહાજર રહે અથવા વિરોધમાં વોટ કરે તો જ સરકાર માટે મુશ્કેલી સર્જાઇ શકે છે. કોંગ્રેસના ૨૭ છે અને અન્ય વિપક્ષના ૫૮ સભ્યો છે .