રેશનકાર્ડ ધારકોને સરકારનું એપ્રિલફૂલ : તુવેરદાળ-ચણા નહીં મળે !! પુરવઠા વિભાગની બેધારી નીતિ સામે સસ્તા અનાજના વિક્રેતાઓમાં રોષ
અગાઉ જથ્થામાં કાપ મુકવાના સિલસિલા બાદ એપ્રિલ માસમાં ચણા-તુવેરદાળની ફાળવણી જ ન કરી
કુપોષણ સામે જંગ છેડનાર ગુજરાત સરકારની યોજનાઓને રાજ્ય સરકારનો જ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ટલ્લે ચડાવી રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ચાલુ માસમાં પુરવઠા વિભાગે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગરીબ રેશનકાર્ડ ધારકો માટે ચણા-તુવેરદાળની બાદબાકી કરી ફાળવણી જ નહીં કરતા રેશનકાર્ડ ધારકોને એપ્રિલફૂલ બનવાનો સમય આવ્યો છે. બીજી તરફ પુરવઠા વિભાગની બેધારી નીતિ સામે સસ્તા અનાજના વિક્રેતાઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા મારફત ગરીબ રાશનકાર્ડ ધારકોને દર માસે જે જથ્થો ફાળવવામાં આવે છે તેમાં નિયમિતતા ગુણવત્તા કે ધારા ધોરણની જાળવણી પાછળ લખલુંટ ખર્ચ કરવામાં આવતો હોવા છતા પણ હેતુ સરતો નથી. ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા કલ્યાણકારી યોજના મારફત ખાંડ, નમક, ચણા, તુવેરદાળ, તેલ જેવી વિવિધ જણસીઓનુ વિતરણ રાહત દરે વખતોવખત વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે આ પ્રકારની જણસીઓમાં કોઈ ધારા ધોરણ કે નિયમિતતા જાળવવામાં આવતી નથી ક્યારેક ચણા આપવામાં આવે તો ક્યારેક તુવેરદાળ આપવામાં આવે છે.અને એ પણ 50% 60% કે 70% 80% ફાળવણી કરવામાં આવે છે. જેથી તમામ રેશનકાર્ડ હોલ્ડરોને પૂરતો જથ્થો ન મળતા અસંતોષ ફેલાય છે .
બીજીતરફ એપ્રિલ માસ માટે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના હેઠળ ચણા અને તુવેરદાળની ફાળવણી કરવામાં આવેલી નથી માટે ગુજરાતના 74 લાખ પરિવારો રાજ્ય સરકાર તરફથી રાહત દરે મળતા આ કઠોળની જણસીઓથી વંચિત રહેશે. રાજ્ય સરકાર એક તરફ કુપોષણ સામે જંગ એવા ટાઈટલ હેઠળ વિવિધ સુપોષણ આપતી જણસીઓનું વિતરણ કરતી હોય છે અને પુરવઠા વિભાગ આવી જણસીઓ કાર્ડ ધારકોને આપવામાં ગલ્લાતલા કરે છે જેથી ગરીબ અને મધ્યમ વર્ગમાં સરકાર દ્વારા જન્માવેલી આશા ઠગારી નીવડે છે અને દુકાન ખાતે પૂરતો જથ્થો નહીં પહોંચાડવાથી કાર્ડ હોલ્ડરોને અને દુકાનદારોને વચ્ચે ગજગ્રાહ સર્જાતો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
વધુમાં પુરવઠા વિભાગની બેધારી નીતિ સામે સસ્તા અનાજના વિક્રેતાઓમાં રોષ છે અને તેઓ જણાવી રહ્યા છે કે, સરકાર કરોડોનું આંધણ કરે છે પરંતુ અધિકારીઓથી લઇ અને કર્મચારી સુધી અપૂરતી ઈચ્છા શક્તિ ફરજ પ્રત્યે બેદરકારી અને ભ્રષ્ટાચાર જેવા વિવિધ કારણોથી સરકારનો આશય અધૂરો રહે છે. પરિણામે પ્રજાને પણ પીસાવું પડે છે. આ સંજોગોમા રાજ્ય સરકાર કડક પગલાં લઈ તાત્કાલિક અસરથી પુરવઠાની ચેઈનને તોડવા માટે જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ તેમજ વિવિધ એજન્સીઓને સજા કે દંડ કરીને વ્યવસ્થાને વધારે મજબૂત કરવા જોઈએ તેવી માંગણી વિક્રેતાઓ દ્વારા ઉઠાવવામાં આવી હતી.