બાંગ્લાદેશ હવે ભારત સાથે કઈ ગદ્દારી કરવા માંગે છે ? શું છે અહેવાલ ? વાંચો
નવી દિલ્હીની મુલાકાત દરમિયાન બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની દ્વિપક્ષીય બેઠકમાં તિસ્તા નદીના પાણી વ્યવસ્થાપનનું કામ ભારતને આપવાનું વચન આપ્યું હતું. 22 જૂન, 2024ના રોજ બન્ને નેતાઓ સંમત થયા હતા કે એક ભારતીય ટીમ ટૂંક સમયમાં ઢાકાની મુલાકાત લેશે જે તિસ્તા જળ વ્યવસ્થાપન માટે ભાવિ યોજના ઘડશે. હવે બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ભારત માટે ખૂબ જ સંવેદનશીલ આ નદી પ્રોજેક્ટનું કામ ચીની કંપનીઓને સોંપવાનું વચન આપ્યું છે.
શુક્રવારે બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા. આ દરમિયાન નવ કરારો પર હસ્તાક્ષર થયા. કેટલાક કરારો ભારતના હિતોને અસર કરશે. ભારત માટે પણ આ કામ જોખમી બની શકે છે. આ પ્રકારના અહેવાલો બાદ ચિંતા વધી ગઈ છે .
મોહમ્મદ યુનુસે માત્ર તિસ્તા જળ વ્યવસ્થાપન જ નહીં, પરંતુ મોંગલા બંદરના વિકાસ માટે પૂર્વ અવામી લીગ સરકારના કાર્યકાળ દરમિયાન ભારત સાથે થયેલા કરારને પણ રદ કરવાનો ઇરાદો દર્શાવ્યો છે.
મોહમ્મદ યુનુસ અને શી જિનપિંગ વચ્ચેની બેઠક બાદ જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં, બાંગ્લાદેશે તેના મોંગલા બંદરને આધુનિક બનાવવા અને વિકસાવવા માટે ચીનનું સ્વાગત કર્યું. ચીન લાંબા સમયથી આના પર નજર રાખતું હતું. ચીનના ભારે દબાણને અવગણીને, હસીના સરકારે જુલાઈ 2024માં ભારતને તેમાં ટર્મિનલ વિકસાવવાના અધિકારો આપ્યા હતા.