ઉડતા રાજકોટ ! હવે ગાંજાનું વાવેતર શોધવા ડ્રોન ઉડશે, ડ્રગ્સના દૂષણને રોકવા ખેતીવાડી વિભાગ-પોલીસને કલેકટરે આપી સૂચના
રાજકોટ જિલ્લામાં ડ્રગ્સના દૂષણને રોકવા ખેતીવાડી વિભાગ-પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સને કલેકટરની સૂચના
રાજકોટ જિલ્લામાં ડ્રગ્સના દૂષણને નાથવા જિલ્લા કલેકટરે ખેતીવાડી વિભાગને પાક સર્વે વખતે સઘન અવલોકન કરવાની સાથે નશીલી દવાઓ વેંચતા મેડિકલ સ્ટોર ઉપર કાર્યવાહી કરવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આદેશ આપ્યો હતો. આ તકે જિલ્લા પોલીસ વડાએ ડેમ વિસ્તારમાં છુપાઈને થતા ગાંજાના વાવેતરને શોધી કાઢવા ડ્રોન મારફતે સઘન સર્વેલન્સ કરવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જિલ્લા કક્ષાની નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠકમાં જણાવ્યું હતું કે, શાળા-કોલેજ નજીક તમાકુ, સિગારેટ કે ડ્રગ્સનું વેચાણ ન જ થવું જોઈએ. તેમણે આવા વિતરકો પર દરોડા વધારવા સૂચના આપી હતી. ડ્રગ્સના દૂષણને સમાજમાંથી નાબૂદ કરવા લોકોમાં તેમજ યુવાનોમાં વધુ જાગૃતિ લાવવા માટે નશાબંધી ખાતાને જનજાગૃતિ ઝુંબેશનું પ્રમાણ વધારવા ઉપર ભાર મૂકી સરકારી કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો જોડાતા હોય ત્યારે આવા કાર્યક્રમોમાં નશો-ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લેવડાવવા પણ પ્રાંત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા.
સાથે જ રાજકોટ જિલ્લામાં છુપાઈને થતું ગાંજાનું વાવેતર શોધી કાઢવા માટે જિલ્લા કલેક્ટરે પાકના સર્વે વખતે સઘન અવલોકન કરવા તેમજ ડેમો આસપાસની ખાલી જગ્યામાં પણ સર્વે કરવા ખેતીવાડી ખાતાને સૂચના આપી હતી. તેમજ મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતા નશીલા સીરપના વેચાણ પર સઘન નિરીક્ષણ રાખી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપી હતી. આ તકે, પોલીસ અધિક્ષક હિમકર સિંહે જણાવ્યું હતું કે, ડેમ વિસ્તારમાં પાણી ઉતરે, પછી ખાલી જગ્યામાં અમુક તત્ત્વો છુપાઈને ગાંજાનું વાવેતર કરી લેતા હોય છે. આથી તેમણે આવી જગ્યાઓ પર સર્વે જરૂરી ગણાવ્યો હતો. આ સાથે ગાંજાનું વાવેતર શોધી કાઢવા ડ્રોનના ઉપયોગનો અનુરોધ પણ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, રાજકોટ ઝોન-૨ ડી.સી.પી. જગદીશ બંગરવા, નિવાસી અધિક કલેક્ટર એ.કે. ગૌતમ, આસિસ્ટન્ટ કલેકટર મહેક જૈન, પ્રાંત અધિકારી ચાંદની પરમાર, વિમલ ચક્રવર્તી, આર.આર. ખાંભરા, રાહુલ ગમારા, નાગાજણ તરખલા, પ્રિયંક ગલચર, એસ.ઓ.જી.ના અધિકારીઓ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ફોરેન્સિક વિભાગ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
