‘મન ફાવે ત્યાં ફરો’… ઉનાળુ વેકેશનમાં ફરવા જવાનો પ્લાન કરો છો ?? ગુજરાત ST લાવી ખાસ યોજના, તમને થશે લાભ
એસ ટી નિગમે આવક વધારવા અને મુસાફરોને આકર્ષવા માટે ચાર અને સાત દિવસની મન ફાવે ત્યાં ફરો યોજના શરૂ કરી છે. ઉનાળો પણ શરૂ થઈ ગયો છે તો થોડા જ સમયમાં બાળકોને ઉનાળુ વેકેશન પણ શરૂ થઈ જશે. ત્યારે ગુજરાત ST નિગમ દ્વારા ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત કોઈપણ ગુજરાતી સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકશે. તમે નજીવા દરે 4 દિવસથી લઈ 7 દિવસ સુધી ગુજરાતમાં કોઈપણ સ્થળે મુસાફરીનો આનંદ માણી શકશો.
ગુજરાતીઓ કોઈપણ બાબતમાં ક્યારેય પાછળ પડે નહીં તો હરવાફરવા પાછળ રહી જાય તેવું બની શકે નહીં. ત્યારે ગુજરાતના લોકો માટે ખાસ ઉનાળુ વેકેશન માટે મન ફાવે ત્યાં ફરો યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ગુજરાતનો કોઈપણ નાગરિક માત્ર 450થી 1450 રૂપિયામાં ચારથી સાત દિવસ સુધી રાજ્યના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકશે. આ યોજના સલામત અને આરામદાયક સફરની સાથે વિશેષ સુવિધાઓ પણ પૂરી પાડશે.
શું છે આ યોજના ??
આ યોજના અંબાજીથી ઉમરગામ અને કચ્છથી કાઠિયાવાડ સુધીના તમામ વિસ્તારોમાં લાગુ થશે. ગુજરાતના દરેક એસટી ડેપો પર આ યોજના કાર્યરત રહેશે. ગુર્જર નગરી, એક્સપ્રેસ બસો તેમજ નોન-એસી સ્લીપર કોચમાં પણ આ યોજનાનો લાભ મળશે. આ રીતે રાજ્યના તમામ એસટી ડેપોમાંથી મુસાફરો આ સેવાનો ઉપયોગ કરી શકશે.
આ યોજના મુસાફરો માટે સસ્તી અને સુરક્ષિત સફરનું બનશે માધ્યમ
આ યોજના મુસાફરો માટે સસ્તી અને સુરક્ષિત સફરનું માધ્યમ બનશે તે નિશ્ચિત છે. એક જ પાસથી સમગ્ર ગુજરાતમાં ફરવાની સુવિધા મળશે. એસટી નિગમની આ યોજના હેઠળ 1450 રૂપિયામાં સાત દિવસ સુધી ગુર્જર નગરીથી લઈને સુપર એક્સપ્રેસ બસોમાં મુસાફરી કરી શકાશે, જ્યારે 850 રૂપિયામાં ચાર દિવસનો પ્રવાસ શક્ય બનશે. પરિવાર સાથે મુસાફરી કરવા ઈચ્છતા લોકો માટે 450 રૂપિયામાં અડધી ટિકિટનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે.
સર્વિસના પ્રકાર મુજબ મુસાફરો પાસેથી ભાડાની રકમ લેવામાં આવશે
સર્વિસના પ્રકાર મુજબ મુસાફરો પાસેથી ભાડાની રકમ લેવામાં આવશે. જેમાં બાળકો અને પુખ્ત વયના વ્યક્તિઓમાં પીક સિઝનમાં એપ્રિલ, મે, જુન, ઓક્ટોબર અને નવેમ્બર મહિના અને સ્કેલ સિઝનમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, જુલાઈ ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિના પ્રમાણે ભાડામાં તફાવત જોવા મળશે.