રાજકોટ જિલ્લામાં એક વર્ષમાં શ્રમ કાયદા ભંગની 43 ફરિયાદો
લઘુતમ વેતનધારા ભંગ મામલે 4 ફરિયાદ, વિધાનસભામાં પશ્ન ઉઠાવતા ડો.દર્શિતા શાહ
રાજકોટ : ઔદ્યોગિક નગરી રાજકોટ જિલ્લામાં શ્રમ કાયદાના ભંગની અવાર-નવાર ફરિયાદો ઉઠતી રહે છે ત્યારે છેલ્લા એક વર્ષમાં ઔદ્યોગિક એકમો સામે શ્રમ કાયદાના ભંગ બદલ લેવામાં આવેલા પગલાં અંગે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડો. દર્શિતા શાહે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો. પ્રશ્નના જવાબમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રીએ જિલ્લામાં એક વર્ષમાં 43 ફરિયાદ નોંધાઈ હોવાનું જાહેર કર્યું હતું.
રાજકોટ પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ડો.દર્શિતા શાહે વિધાનસભમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, તા.31-12-2024ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં રાજકોટ જિલ્લામાં આવેલ ઔદ્યોગિક એકમો સામે શ્રમ કાયદાના ભંગ અન્વયે કેટલી ફરિયાદો મળી, અને તે ફરિયાદો અન્વયે શી કાર્યવાહી કરવામાં આવી? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, એક વર્ષમાં રાજકોટ જિલ્લામાં કુલ 43 ફરિયાદ નોંધવામાં આવી છે.
વધુમાં શ્રમ અને રોજગાર વિભાગે રાજકોટ જિલ્લામાં 29 ફરિયાદોમાં 28 એકમોમાં 84 શ્રમિકોના પગાર અંગે મળેલી ફરિયાદ બાદ 9,00,398 રૂપિયાનું ચુકવણું કરવામાં આવ્યું હોવાનું તેમજ ચાર ઔદ્યોગિક એકમો વિરુદ્ધ લઘુતમ વેતનધારા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. સાથે જ 10 કિસ્સામાં કારખાનાધારા અન્વયે ફરિયાદ કરી એક કિસ્સામાં ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.