ફાયર બ્રિગેડના તમામ ફોન આઉટઓફ કવરેજ… રાજકોટ ફાયર કંટ્રોલરૂમનાં ફોન ઠપ્પ, અધિકારીઓમાં દોડધામ
કોઈપણ દુર્ઘટના સર્જાઇ છે ત્યારે ઇમરજન્સી સેવાનો ઉપયોગ લોકો દ્વારા કરવામાં આવતો હોય છે ત્યારે આજે રાજકોટમાં મુખ્ય ફાયર સ્ટેશનના તમામ નંબરો અચાનક ઠપ્પ થઈ ગયા હતા. ટેકનિકલ ખામીને કારણે બધા જ નંબર બંધ થઈ જતાં વૈકલ્પિક નંબર જાહેર કરવામાં આવ્યો હતો. BSNLની સેવા ખોરવાઈ જવાને કારણે દોઢ કલાક કરતા વધુ સમયથી તમામ ફોન બંધ થયા હતા. જેને લઈને અધિકારીઓમાં પણ દોડધામ મચી ગઇ હતી.
રાજકોટના મુખ્ય ફાયર સ્ટેશનના ૮ ફોન બંધ
રાજકોટનું મુખ્ય ફાયર સ્ટેશન કનક રોડ ખાતે આવેલું છે. મળતી વિગતો અનુસાર આ ઘટના બપોરે 12.20 વાગ્યે બની હતી. આજે બપોરના ૧૨ વાગ્યાની ફાયર બ્રિગેડના એક પણ નંબર ઉપર સંપર્ક થતો ન હોવાથી લોકોમાં દેકારો મચી ગયો હતો. લોકો ફાયરબ્રિગેડ ખાતે દોડી ગયા અને ફોન લાગતા ન હોવાનુ જણાવતા ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા તપાસ કરાતા મુખ્ય ફાયર સ્ટેશનના તમામ ૮ ફોન બંધ હોવાનુ જણાઇ આવ્યું હતું. જેથી ફાયર ઓફિસર દ્વારા તાત્કાલિક બીએસએનએલ ઓફિસને જાણ કરવામાં આવતા મેઇન્ટેનેન્સના કારણે ફોન બંધ હોવાનુ જણાવ્યું હુત જો કે, મેઇન્ટેનેન્સ અંગે બીએસએનએલ તંત્ર દ્વારા કોઇ આગોતરી જાણ કરવામાં આવી ન હોવાથી ફયારબ્રિગેડ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ ન હતી.

બીએસએનએલની બેદરકારીના કારણે સેવા ખોરવાઇ
ઉલ્લેખનીય છે કે રાજકોટના કનક રોડ પર આવેલું ફાયર સ્ટેશનએ મુખ્ય ફાયર સ્ટેશન છે. આસપાસના
સ્થળે કોઈપણ દુર્ઘટના કે આગનો બનાવ બને તો અહી જ જાણ કરવામાં આવે છે ત્યારે આજે આમ બીએસએનએલ તંત્રની બેદરકારીના કારણે ફાયરબ્રિગેડ જેવી મુખ્ય સેવા ખોરવાઇ ગઇ હતી. જો કોઇ મોટી દૂઘર્ટના સર્જાય તો જાણ કેમ કરવી? તેવા અનેક સવાલો ઉઠયા છે.
બપોરના બે વાગ્યા સુધી ફોન ચાલુ ન થયા
બપોરના બે વાગ્યા સુધી ફોન ચાલુ થયા ન હતા. ફાયરબ્રિગેડ મુખ્ય કંટ્રોલ રૂમના તમામ ફોન બંધ થઇ જતા જયા સુધી ફરીથી કાર્યરત ન થાય ત્યા સુધી વૈકલ્પિક નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ચીફ ફાયર ઓફિસર નં.૭૬૨૨૦ ૧૯૧૦૦ અને સ્ટેશન ઓફિસરને મો. ૯૭૧૪૬ ૮૭૮૬૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.