રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણી સુપેરે યોજવા બદલ દિલ્હીમાં રાજકોટ કલેકટરનું બહુમાન
દિલ્હીમાં સહકારી ચૂંટણી સત્તામંડળનો પ્રથમ સ્થાપના દિવસ ઉજવાયો
કો-ઓપરેટીવ ઈલેક્શન ઓથોરિટીના કાર્યક્રમમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું પ્રેઝન્ટેશન કરાયું
રાજકોટ : દેશમાં મલ્ટી સ્ટેટ કોઓપરેટીવ સોસાયટીઓની ચૂંટણી માટે કેન્દ્ર સરકારે અલગથી કો-ઓપરેટીવ ઈલેક્શન ઓથોરિટીની રચના કર્યાના પ્રથમ સ્થાપના દિવસની દિલ્હી ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા તાજેતરમાં રાજકોટ નાગરિક સહકારી બેન્કની ચૂંટણી સુપેરે યોજવામાં આવતા જિલ્લા કલેકટરનું બહુમાન કરી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગેનું પ્રેઝન્ટેશન પણ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.
કો-ઓપરેટીવ ઈલેક્શન ઓથોરિટીના પ્રથમ સ્થાપના દિવસ નિમિતે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય સહકાર સચિવ ડૉ. આશિષ કુમાર ભુતાનીની ઉપસ્થિતિમાં કો-ઓપરેટીવ ઈલેક્શન ઓથોરિટી અધ્યક્ષ દેવેન્દ્ર કુમાર સિંહેની હાજરીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે સહકારી મંડળીઓના કેન્દ્રીય રજિસ્ટ્રાર રવિન્દ્ર કુમાર અગ્રવાલ પણ હાજર રહ્યા હતા. આ તકે સહકારી ચૂંટણી સત્તામંડળ દ્વારા રાજકોટ નાગરિક સહકારી બેન્કની નવા કાયદા સાથે સફળતા પૂર્વક ચૂંટણી કરવા બદલ જિલ્લા કલેકટર પ્રભવ જોશીનું બહુમાન કરવામાં આવ્યું હતું.
સહકારી ચૂંટણી સત્તામંડળના પ્રથમ સ્થાપના દિને યોજાયેલ આ કાર્યક્રમમાં રાજકોટ કલેકટર પ્રભવ જોશીએ રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી દરમિયાન ખાસ ઉભા કરેલા કંટ્રોલ રૂમ, વેબ કાસ્ટીંગ, મહિલા મતદાન મથક, સ્ટાફનું રેન્ડેમાઈઝેશન સહિતની કરેલી કામગીરીનું પ્રેઝન્ટેશન કરી માહિતીનું આદાનપ્રદાન કર્યું હતું. કાર્યક્રમમાં દેશભરમાંથી સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા.