ટાઈફોઈડ-કમળાનો રાફડો ફાટ્યો: ડેંગ્યુની પણ આગેકૂચ
આખા રાજકોટમાં દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું હોય રોગચાળો પણ માજા મુકી રહ્યો છે: તાવ-શરદી-ઉધરસના કેસ પણ યથાવત
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી વિતરણ થઈ રહ્યાની ફરિયાદો ઉઠી રહી છે. બીજી બાજુ તંત્રના `કામઢા’ અધિકારીઓને સમય મળે ત્યારે ફિલ્ડમાં ઉતરી પાણી અંગે ચેકિંગ પણ કરાઈ રહ્યું છે પરંતુ દૂષિત પાણીને કારણે અત્યારે કમળો અને ટાઈફોઈડનો રોગચાળો વકરી ગયો હોવાનું જાહેર થયેલા રોગચાળાના આંકડા પરથી લાગી રહ્યું છે.
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તા.૩-૩-૨૦૨૫થી તા.૯-૩-૨૦૨૫ સુધીના રોગચાળાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જે પ્રમાણે ટાઈફોઈડ તાવના ત્રણ, કમળાના ચાર કેસ ઉપરાંત ડેંગ્યુના વધુ બે દર્દી મળ્યા હોવાનું સામે આવ્યું છે. આ જ રીતે શરદી-ઉધરસના ૯૦૧, સામાન્ય તાવના ૮૫૨ અને ઝાડા-ઊલટીના ૨૨૯ દર્દી મળ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કમળાના રોગે માથું ઉંચક્યું છે સાથે સાથે ટાઈફોઈડના કેસ પણ પાછલા સપ્તાહોની તુલનાએ એટલા જ મળી રહ્યા હોય રોગચાળાની સ્થિતિ ખરેખર ચિંતાજનક હોવાનું શહેરીજનોને લાગી રહ્યું છે.