યુએસ કેબિનેટની બેઠકમાં મસ્ક અનેવિદેશમંત્રી રુબીઓ વચ્ચે જામી પડી : કર્મચારીઓ ઘટાડવાના મુદે ઉગ્ર બોલાચાલી
અમેરિકન વહીવટી તંત્રમાં એલોન મસ્કના વર્ચસ્વ અને વિવિધ વિભાગોમાં હસ્તક્ષેપને કારણે તેમની સામે વધતી જતી નારાજગી અંતે સપાટી ઉપર આવી ગઈ હોય તેમ વ્હાઈટ હાઉસ ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં સ્ટાફ ઘટાડવાના મુદે મસ્ક અને વિદેશ મંત્રી માર્કો રુબીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.બન્નેએ એક બીજા પર કટાક્ષો કર્યા હતા અને આક્ષેપબાજી થઈ હતી.વાતાવરણ એ હદે તંગ બન્યું હતું કે અંતે ટ્રમ્પે દરમિયાનગીરી કરવી પડી હતી.
એલોન મસ્કે સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવામાં રુબીઓ નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો.તેમણે વિદેશમંત્રીને સંબોધીને કહ્યું, “તમે કોઈને કાઢી મૂક્યા નથી.તમે કદાચ મારી દેખરેખ હેઠળના વિભાગ DOGE ના એક કર્મચારીને જ કાઢી મૂક્યો છે” તેમના આ આક્ષેપ અને કટાક્ષને પગલે વાતાવરણ ગરમાયું હતું.
રૂબિઓએ વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સ્ટેટ ડિપાર્ટમેન્ટના 1,500 થી વધુ કર્મચારીઓએ વહેલી નિવૃત્તિના કરાર કર્યા છે. દેખીતા વ્યંગ સાથે, તેમણે મસ્કની અપેક્ષાઓ પર સવાલ ઉઠાવતા ઉમેર્યું કે “શું તમે ઇચ્છો છો કે હું તે લોકોને ફરીથી નોકરી પર રાખું જેથી તમે તમારી કામગીરી દેખાડવા માટે તેમને ફરીથી કાઢી શકો?”
મસ્કે વળતા જવાબમાં રુબીઓની વહીવટી કાર્યક્ષમતા સામે વ્યંગ કરતા કહ્યું કે, ” તમે ટીવી પર સારો દેખાવ કરો છો”.ટ્રમ્પ આ દલીલબાજી બે હાથ જોડીને સાંભળી રહ્યા હતાં.મસ્કનીટિપ્પણી ને કારણે વાતાવરણ વધુ સ્ફોટક બનતા અંતે તેમણે દરમિયાનગીરી કરી રુબીઓ ખૂબ સારું કામ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે મસ્કના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો લાવવાના આક્રમક અભિગમ અંગે અનેક એજન્સીના વડાઓની ફરિયાદો બાદ આ બેઠક બોલાવવામાં આવી હતી.કર્મચારીઓને કાઢી મૂકવાના મુદે મતદારોના વિરોધનો સામનો કરી રહેલા અનેક રિપબ્લિકન સાંસદોએ પણ એ બાબતે વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ સુસી વાઇલ્સ અને ઓફિસ ઓફ લેજિસ્લેટિવ અફેર્સ સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી.
ટ્રમ્પે મસ્કની પાંખો કાપી નાખી ?
કેબિનેટની બેઠકમાં આ બઘડાટી બોલ્યા બાદ ટ્રમ્પે, નોકરી પર કોને રાખવા કે કાઢી મૂકવા તેનો નિર્ણય કરવાનો અધિકાર મસ્કના નેતૃત્વ હાથના DOGE ને નહીં પણ જે તે વિભાગના વડાઓને જ હોવાની સ્પષ્ટતા કરી હતી.DOGE માત્ર સલાહકારની ભૂમિકામાં જ હોવાની તેમણે ચોખવટ કરી હતી.