શું છે બોફોર્સ કૌભાંડ ?? ભારત સરકારે અમેરિકા પાસે માગી નવી માહિતી, સીબીઆઈ કરી રહી છે તપાસ
શું છે બોફોર્સ કૌભાંડ?
બોફોર્સ કૌભાંડનો પર્દાફાશ સ્વીડિશ રેડિયો દ્વારા કરવામાં આવ્યો હતો. 1989ની ચૂંટણીમાં રાજીવ ગાંધીની હારનું તે એક મોટું કારણ બન્યું હતું. જોકે દિલ્હી હાઈકોર્ટે 2004માં પૂર્વ વડાપ્રધાન વિરુદ્ધ લાંચના આરોપોને ફગાવી દીધા હતા, પરંતુ આ કૌભાંડ સાથે જોડાયેલા પ્રશ્નો હજુ પણ યથાવત છે. ઇટાલિયન ઉદ્યોગપતિ ઓટ્ટાવિયો ક્વાટ્રોચીની પણ આમાં શંકાસ્પદ ભૂમિકા હતી, જેઓ રાજીવ ગાંધી સરકારમાં ખૂબ જ પ્રભાવશાળી હતા. તપાસ દરમિયાન ક્વાટ્રોચીને ભારત છોડવાની મંજૂરી આપવામાં આવી હતી અને તે મલેશિયા ફરાર થયા હતાં.
તે સમયની UPA સરકારે બ્રિટનમાં તેમના બેન્ક ખાતાઓમાંથી લાખો ડોલર ઉપાડ્યા હોવાની વાતને નકારી હતી. ત્યારે ક્વાટ્રોચી પર ફરીથી ધ્યાન કેન્દ્રિત થયું હતું. 1987માં સ્વીડિશ પબ્લિક બ્રોડકાસ્ટરે આ બોફોર્સ કૌભાંડનો ખુલાસો કરી ભારત અને સ્વીડન બંનેને આંચકો આપ્યો હતો. તેણે હોવિત્ઝર ડીલમાં લાંચ અપાઈ હોવાનો ખુલાસો કર્યો હતો.
સીબીઆઈ કરી રહી છે તપાસ
સીબીઆઈએ આ કેસમાં 1990માં એફઆઈઆર નોંધી હતી અને 1999 અને 2000માં ચાર્જશીટ દાખલ કરી હતી. રાજીવ ગાંધીને નિર્દોષ જાહેર કર્યા બાદ સ્પેશિયલ કોર્ટે હિન્દુજા બંધુઓ સહિત અન્ય આરોપીઓ સામેના તમામ આરોપો રદ કરી દીધા હતા. ક્વાટ્રોચીને પણ 2011માં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટે સીબીઆઈની અરજીને માન્ય રાખી અને તેની સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી પાછી ખેંચી લીધી હતી.