1989માં રાજીવ ગાંધીની હારનું કારણ બનેલુ ‘બોફોર્સ કૌભાંડ ‘ વર્ષો બાદ ફરી કઈ રીતે બેઠું થઈ રહ્યું છે ? શુ છે સમગ્ર મામલો ? વાંચો
1989 માં રાજીવ ગાંધીની હારનું કારણ બની ગયેલા ચર્ચાસ્પદ બોફોર્સ કૌભાંડનું ભૂત ફરી બેઠું થઈ રહ્યું છે. ભારતે અમેરિકા પાસે રૂ. 64 કરોડના બોફોર્સ કૌંભાંડ સંબંધિત મહત્ત્વની માહિતી માગતાં કોંગ્રેસ પાર્ટી પર ફરી પાછી મુશ્કેલીઓ વધવાનો સંકેત મળ્યો છે. કેન્દ્ર સરકારના આ પગલાંથી રાજીવ ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં સ્વીડન પાસેથી 155 એમએમ ફિલ્ડ આર્ટિલરી ગનની ખરીદીમાં થયેલા કૌભાંડની તપાસ ફરી શરૂ થઈ શકે છે.
સીબીઆઈએ તાજેતરમાં જ એક સ્પેશિયલ કોર્ટ દ્વારા જારી કરાયેલો પત્ર યુએસ ન્યાય વિભાગને મોકલ્યો હતો. આ પત્રમાં એજન્સીએ અમેરિકન પ્રાઈવેટ ડિટેક્ટીવ કંપની ફેરફેક્સના વડા માઈકલ હર્શમેન સાથે જોડાયેલી માહિતી માંગી છે.
હર્શમેને 2017માં દાવો કર્યો હતો કે, ‘જ્યારે મેં સ્વિસ બેન્ક ખાતામાં મોન્ટ બ્લેન્કનો પર્દાફાશ કર્યો હતો, ત્યારે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી ગુસ્સે થયા હતા. તેમાં બોફોર્સ ડીલના લાંચના નાણાં આ ખાતામાં કથિત રીતે જમા કરવામાં આવ્યા હતા. મારી તપાસમાં તે સમયની સરકારે અડચણો ઉભી કરી હતી.’ જેથી સીબીઆઈએ હર્શમેનની આ તપાસનો રિપોર્ટ અમેરિકા પાસે માગ્યો છે.
સીબીઆઈએ પહેલીવાર ઓક્ટોબર 2024માં દિલ્હી કોર્ટનો સંપર્ક કર્યો હતો અને તેને યુએસ સત્તાવાળાઓ પાસેથી માહિતી મેળવવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી. હર્શમેન ભારતીય એજન્સીઓને સહકાર આપવા માટે સંમત થયા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે, આ માગ કરતો અરજી પત્ર એક ઔપચારિક લેખિત વિનંતી છે, જે એક દેશની કોર્ટ બીજા દેશની કોર્ટને ફોજદારી કેસની તપાસમાં મદદ મેળવવા માટે મોકલે છે.