PM મોદીએ જામનગરમાં વનતારા વાઇલ્ડલાઇફ સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન : સિંહબાળ સાથે કરી ગમ્મત, જુઓ વિડીયો
જામનગર પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નિર્મિત વનતારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ એન્ડ કન્ઝર્વેશન સેન્ટરની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી હતી અને તેનું સત્તાવાર રીતે ઉદઘાટન કર્યું હતું. અંદાજે ૩૫૦૦ એકરમાં બનાવવામાં આવેલા આ વનતારામાં ૨૦૦૦થી વધુ પ્રજાતિનાં ૧.૫૦ લાખ જેટલા રેસ્ક્યુ કરવામાં આવેલા પ્રાણીઓ છે. આ વિશ્વનું સૌથી મોટુ પ્રાણીઓ માટેનું રેસ્ક્યુ સેન્ટર છે. અનંત અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટ એવા વનતારામાં વન્યજીવનના રક્ષણ અને પુનર્વસન માટે આધુનિક પશુચિકિત્સા સુવિધાઓ છે. વનતારાથી દેશની પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ માટેના પ્રયાસોને ટેકો મળી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વનતારાની આ મુલાકાત દરમિયાન અત્યાધુનિક પશુચિકિત્સા સુવિધાઓની મુલાકાત લીધી હતી અને ત્યાં તેમણે મેડીકલ પ્રોસેસ અને ઓપરેશન સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. વનતારામાં પ્રાણીઓની ચિકિત્સા માટે MRI અને CT સ્કેન સુવિધાઓ, ઇંટેન્સીવ કેર યુનિટ અને વાઇલ્ડલાઇફ એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, ડેન્ટલ અને ઇન્ટરનલ મેડિસીન સહિત અલગ અલગ વિભાગો છે.
વનતારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ એન્ડ કન્ઝર્વેશન સેન્ટરની હોસ્પિટલમાં, વડાપ્રધાન મોદીએ એક એશિયાઈ સિંહના MRIની પ્રોસેસ જોઈ અને તેમણે ઓપરેશન થિયેટરની મુલાકાત લીધી, જ્યાં પશુચિકિત્સકો દીપડાની સર્જરી કરી રહ્યા હતા.
વડાપ્રધાને વનતારામાં રાખવામાં આવેલી અનેક દુર્લભ પ્રજાતિના પ્રાણીઓની પણ મુલાકાત લીધી. વડાપ્રધાન મોદીએ પ્રાણીઓના કુદરતી રહેઠાણો જેવા જ એન્ક્લોઝરોની પણ મુલાકાત લીધી અને એશિયાઈ સિંહ, સ્નો લેપર્ડ, એક શિંગડાવાળા ગેંડા જેવી પ્રજાતિઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતા સંરક્ષણ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું.
વડાપ્રધાને એક મોટો અજગર, ટૂ હેડેડ સ્નેક, કાચબો, એક તાપીર, ખેતરમાંથી બચાવેલા દીપડાના બચ્ચા, એક વિશાળ ઓટર, એક બોંગો (કાળિયાર), સીલ અને જેકુઝી લઇ રહેલા કરતા હાથીઓ પણ જોયા. વડાપ્રધાન મોદીએ વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.વનતારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ એન્ડ કન્ઝર્વેશન સેન્ટરની અંદરની વડાપ્રધાનની મુલાકાતનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવ્યો છે.