સમગ્ર ગુજરાત રાજ્ય ટાટ પાસ ઉમેદવારોના સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન
વિદ્યાસહાયક અને શિક્ષણ સહાયકોની ભરતીમાં જગ્યા વધારવા માંગણી
ગુજરાત સરકાર દ્વારા વિદ્યાસહાયકો અને શિક્ષણ સહાયકોની જાહેર કરવામાં આવેલ ભરતી પ્રક્રિયામાં જગ્યાઓ વધારવાની માંગ સાથે સમગ્ર ગુજરાત રાજ્ય ટાટ પાસ ઉમેદવારોના સંગઠન દ્વારા સોમવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તર્કબદ્ધ રજુઆત કરવામાં આવી હતી.
ટેટ પાસ ઉમેદવારોએ કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૨૩માં ધો.૧થી૮ માં વિદ્યા સહાયક ભરતી માટે TET-1 અને TET-2 ની પરીક્ષા લેવાયેલ હતી. ત્યારબાદ ધો. ૧ થી ૫માં ૫૦૦૦ અને ધો. ૬ થી ૮માં ૭૦૦૦ તેમજ અન્ય માધ્યમની ૧૮૫૨ એમ કુલ મળીને ૧૩,૮૫૨ વિદ્યા સહાયકની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલ છે. જેને સમસ્ત ઉમેદવારો આવકારીએ છીએ પરંતુ કુલ ૬૪,૧૬૦ અરજીઓ સામે માત્ર ૧૩,૮૫૨ વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવે તો મોટાભાગના ઉમેદવારોનું શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઈ જાય તેમ છે.
આ સંજોગોમાં ધોરણ 1થી5 માં RTI ની માહિતી મુજબ ૨૧,૩૫૪ જગ્યાઓનું મહેકમ ખાલી છે. જેની સામે માત્ર ૫૦૦૦ ની ભરતી થાય છે.તો ધોરણ ૧ થી ૫ ના ઉમેદવારોને ન્યાય મળે તે માટે ચાલુ વિદ્યા સહાયક ભરતીમાં જગ્યા વધારો કરવામાં આવે એ જ રીતે તા.૩૧/૦૭/૨૦૨૪ની સ્થિતિએ ધો.૧થી૫માં કુલ-૧૬૧૮૧ જગ્યાઓ ખાલી છે. ધો.૧થી૫માં કુલ-૧૭૯૯ શિક્ષકો નિવૃત્ત થતાં તેટલી વિદ્યા સહાયકની જગ્યાઓ ખાલી પડેલ છે.સાથે જ તા.૩૧/૦૫/૨૦૨૫ના રોજ કુલ-૩૩૩૪ શિક્ષકો નિવૃત્ત થનાર હોઈ તેટલી વિદ્યા સહાયકની જગ્યાઓ ખાલી રહે તેમ હોય ખાલી પડેલી તમામ જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયક ભરતીમાં જગ્યા વધારાના રૂપે સામેલ કરવા માંગણી કરી હતી.
આ ઉપરાંત શિક્ષણ સહાયકની જગ્યામાં ૧૧૫૨ જેટલા આચાર્યની ભરતી બાદ ખાલી પડેલ શિક્ષણ સહાયકની જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયકની ભરતીમાં જગ્યા વધારા રૂપે સામેલ કરવામાં આવે. તેમજ ૪૦૦૦ જેટલા જુના શિક્ષકોની બદલી પ્રક્રિયાને અંતે ખાલી રહેતી શિક્ષણ સહાયકની જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયકની ભરતીમાં જગ્યા વધારા રૂપે સામેલ કરવામાં આવે. ઉપરાંત તા.૩૧/૦૫/૨૦૨૫ સુધીમાં નિવૃત્ત થનાર શિક્ષકોની ખાલી પડતી જગ્યાઓ પણ ચાલુ ભરતીના મહેકમ સમાવી લેવા ટેટ પાસ ઉમેદવારોએ માંગણી ઉઠાવી હતી.