ઝેલેન્સકી, તમે એકલા નથી જ, નિર્ભય રહો, અમે તમારી સાથે છીએ: યુરોપનો સધિયારો
વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચેની બેઠકમાં થયેલા તમાશાથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.રશિયા અને યુક્રેન વચ્ચે વહેલી તકે યુદ્ધ પૂરું થવાની આશા પર પાણી ફરી વળ્યું છે.એ બેઠકમાં ટ્રમ્પે ખુલ્લી રીતે રશિયા તરફી અભિગમ દાખવતા યુદ્ધ મુદે અમેરિકા અને તેના પરંપરાગત સાથી એવા યુરોપના દેશો વચ્ચેની તિરાડ વધું પહોળી થઈ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.રશિયાએ ટ્રમ્પ સાથે ઝગડો કરનાર ઝેલેન્સ્કીને ગંદો માણસ ગણાવી ઠેકડી ઉડાવી હતી તો બીજી તરફ યુરોપના દેશો ઝેલેન્સકીના સમર્થનમાં આવી ગયા હતા.સોલ્વેનિયા,બેલ્જિયમ, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, આયર્લેન્ડ, લાતવિયા, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ્સ, પોર્ટુગલ, સ્લોવેનિયા, સ્પેન અને સ્વીડનના નેતાઓએ યુક્રેન અને ઝેલેન્સ્કીને ટેકો જાહેર કર્યો હતો.
પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે ઝેલેન્સ્કીને સંબોધીને કહ્યું, “તમે એકલા નથી.” યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા એ ઝેલેન્સકીને સંયુક્ત પોસ્ટમાં જણાવ્યું, “તમારું સન્માન યુક્રેનના લોકોની બહાદુરીને સન્માન આપે છે. મજબૂત રહો, હિંમતવાન રહો, નિર્ભય રહો. તમે ક્યારેય એકલા નથી,” તેમણે કહ્યું. “અમે તમારી સાથે ન્યાયી અને સ્થાયી શાંતિ માટે કામ કરવાનું ચાલુ રાખીશું.”
શું કહ્યું યુરોપના દેશોના નેતાઓએ ?
ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહેમરે X પર જણાવ્યું, “યુક્રેનના લોકો ત્રણ વર્ષથી વધુ સમયથી રશિયન આક્રમણકાર સામે હિંમતભેર લડી રહ્યા છે. મેં વ્યક્તિગત રીતે યુદ્ધ ક્ષેત્રની મુલાકાત લીધી અને જોયું કે ત્યાં કેટલા મોટા બલિદાનો આપવામાં આવ્યા છે. આપણે બધા ઇચ્છીએ છીએ કે આ યુદ્ધ હવે સમાપ્ત થાય. રશિયા આક્રમણકાર છે અને તેથી યુરોપ યુક્રેનના ન્યાયી અને સ્થાયી શાંતિના પ્રયાસોને સમર્થન આપે છે”
કેનેડા
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું, “રશિયાએ ગેરકાયદેસર અને અન્યાયી રીતે યુક્રેન પર આક્રમણ કર્યું. ત્રણ વર્ષથી, યુક્રેનિયનોએ હિંમત સાથે લડાઈ લડી છે.લોકશાહી, સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ માટેની તેમની લડાઈ આપણા બધા માટે મહત્વની છે. કેનેડા ન્યાયી અને સ્થાયી શાંતિ હાંસલ કરવામાં યુક્રેન અને યુક્રેનિયનોની સાથે ઊભું રહેશે,”
રોમાનિયા
કામચલાઉ રાષ્ટ્રપતિ ઇલી બોલોજનએ કહ્યું, “યુક્રેનની સુરક્ષા યુરોપની સુરક્ષા માટે નિર્ણાયક છે. આપણે બધાએ આપણા મૂલ્યો, સ્વતંત્રતા અને શાંતિ માટે સાથે મળીને લડવું જોઈએ.”
જર્મની
વિદાય લેતા જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝે કહ્યું, “કોઈ પણ યુક્રેનિયનો કરતાં વધુ શાંતિ ઇચ્છતું નથી.” ગયા રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટીની જીત બાદ શોલ્ઝના સંભવિત ઉત્તરાધિકારી ફ્રેડરિક મેર્ઝે પોસ્ટ કર્યું, “અમે કસોટીના એ સમયમાં યુક્રેન સાથે ઊભા છીએ. આ ભયંકર યુદ્ધમાં આપણે ક્યારેય આક્રમણકાર અને પીડિતને ભૂલવ ન જોઈએ.”
ઇટાલી
ટ્રમ્પ અને મસ્કના ગાઢ સાથી વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમના પ્રતિભાવમાં સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો. તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપિયન દેશો અને સાથીઓને સામેલ કરીને “આજના મોટા પડકારો સાથે, ખાસ કરીને યુક્રેનથી શરૂઆત કરીને, કેવી રીતે નિપટવું” તેની ચર્ચા કરવા એક શિખર સંમેલન યોજવાનું સૂચન કર્યું. તેમણે કહ્યું, “પશ્ચિમનું કોઈપણ વિભાજન આપણને બધાને નબળા બનાવે છે અને તે લોકોને ફાયદો કરે છે જેઓ આપણી સભ્યતાનું પતન જોવા માંગે છે,”
ફ્રાન્સ
રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનએ X પર જણાવ્યું, “એક આક્રમણકાર છે: રશિયા. એક લોકો પર હુમલો થયો છે: યુક્રેન. તેમના માટે સન્માન જેઓ શરૂઆતથી લડી રહ્યા છે. કારણ કે તેઓ તેમની ગરિમા, તેમની સ્વતંત્રતા, તેમના બાળકો અને યુરોપની સુરક્ષા માટે લડી રહ્યા છે.”