આજે વહેલી સવારે વનતારામાં લટાર મારશે વડાપ્રધાન મોદી
પીએમ મોદીએ જામનગરમાં રોડ શો બાદ કર્યું રાત્રી રોકાણ
વન્યપ્રાણીઓના રેસ્ક્યુ સેન્ટરમાં 6 કલાક સમય વિતાવશે, અંબાણી પરિવાર પણ હાજર રહેશે : બાદમાં સાસણ ગીર ખાતે સિંહસદનમાં રાત્રી વિરામ
વડાપ્રધાન મોદી શનિવારે સાંજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે ત્યારે જામનગર એરપોર્ટ ખાતે આગમન બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવોએ તેમને આવકાર્યા હતા. જામનગરમાં વડાપ્રધાનના રોડ શો સાથે સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરી આજે રવિવારે વહેલી સવારથી જ તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ સેન્ટર એવા વનતારાની છ કલાકની લાંબી લટાર મારી અહીંથી સીધા જ ગીર સોમનાથ જિલ્લામાં સાસણ જવા રવાના થશે.
શનિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર ખાતે આવી પહોંચ્યા હતા, જામનગરમાં આગમન બાદ રોડ શો યોજી તેઓએ સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કર્યું હતું. રવિવારે વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ સેન્ટર એવા વનતારા ખાતે પહોંચી બપોરના 12.30 વાગ્યા સુધી અહીં વિવિધ પ્રભાગોનુ નિરીક્ષણ કરશે.વડાપ્રધાનની વનતારા મુલાકાત દરમિયાન અંબાણી પરિવાર પણ તેમની સાથે રહે તેવા અહેવાલો મળી રહ્યા છે. બાદમાં વનતારા હેલિપેડ ખાતેથી જ તેઓ સીધા ગીર સોમનાથ જિલ્લાના સાસણ ખાતે રવાના થશે. સાસણ ખાતે સિંહસદનમાં તેઓ રાત્રી રોકાણ કરશે.
બાદમાં વડાપ્રધાન સોમવારે વહેલી સવારે ગીર જંગલમાં બે કલાક સુધી જંગલ સફારી કર્યા બાદ સવારે વનવિભાગ સાથે બે કલાક મિટિંગ યોજી સાસણ ખાતેથી સીધા જ હવાઈ માર્ગે દ્વાદશજયોતિર્લિંગમાના પ્રથમ એવા સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવી એકાદ કલાક જેટલો સમય સોમનાથ ખાતે ગાળી બાદમાં હવાઈ માર્ગે રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે સાંજના સમયે પહોંચશે. રાજકોટ એરપોર્ટ ખાતે ટૂંકા રોકાણ દરમિયાન તેઓ ભાજપ નેતાગીરી સાથે બેઠક યોજનાર હોવાનું પણ જાણવા મળે છે. રાજકોટ હિરાસર એરપોર્ટ કહતે ટૂંકા રોકાણ બાદ વડાપ્રધાન સીધા જ રાજકોટથી દિલ્હી જવા રવાના થશે.