બાંગ્લાદેશ અરાજકત્તામાં ગળાડૂબ, સર્વ ભૌમત્વ ખતરામાં : આર્મી ચીફ
બાંગ્લાદેશના લશ્કરી વડા જનરલ વકાર ઉઝ ઝમાને દેશમાં પ્રવર્તતી અંધાધુંધી અને અરાજકતાને કારણે રાષ્ટ્રના સાર્વભૌમત્વ ઉપર ખતરો સર્જાયો હોવાનો ભય વ્યક્ત કર્યો હતો. આ અરાજકતા માટે આપણે જ જવાબદાર છીએ તેમ જણાવી તેમણે રાષ્ટ્રીય એકતા અને સંસ્થાકીય શિસ્તતા સ્થાપવા પર ભાર મૂક્યો હતો. તેમનું આ નિવેદન બાંગ્લાદેશમાં સેનાની ભાવિ ભૂમિકા તરફ નિર્દેશ કરતું હોવાનું માનવામાં આવે છે. તેમણે કહ્યું કે સ્થિતિ અત્યંત ગંભીર અને પ્રવાહી છે.
નાગરિકો એકબીજાના દુશ્મન બની ગયા છે. સામાજિક અને રાજકીય કટોકટી સર્જાઇ છે. તેમણે ઉમેર્યું કે સંબંધિત પક્ષો એકબીજા ઉપર આક્ષેપો કરવામાં વ્યસ્ત છે. અને તોફાની તત્વો તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે.જો લોકો એકબીજા સામે લડવાનું, એકબીજાની હત્યા કરવાનું બંધ નહીં કરે તો દેશની એકતા અને સ્વતંત્રતા જોખમમાં મુકાઈ જશે.
લશ્કરી વડાએ અપૂરતા પોલીસ દળ અંગે પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે દરેક સ્તરના પોલીસ અધિકારીઓ ડર અનુભવી રહ્યા છે કારણકે તેમના સાથીઓ કાં તો જેલમાં છે અથવા તો કાનૂની પડકારોનો સામનો કરી રહ્યા છે. આ સંજોગોમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે સેના પર મોટી જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું. વિદ્યાર્થી આંદોલનને કારણે શેખ હસીના સરકારના પતનથી થયેલો ફાયદો આ અંધાધુંધી એના અરાજકતાને કારણે તણાઈ ગયો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.