રાજકોટ : વિછિયામાં ઔદ્યોગિક હેતુની જમીનમાં કોમર્શિયલ બાંધકામ ખડકાઈ જતા ડિમોલિશન, 50 લાખની કિંમતની જમીન ખુલ્લી કરાવાઈ
રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકા મથકે ઔદ્યોગિક હેતુ માટે ફાળવવામાં આવેલ જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવતા મામલતદાર દ્વારા ત્રણ દુકાન તેમજ ગોડાઉનના દબાણ હટાવી અંદાજે 50 લાખની કિંમતી જમીન ખુલ્લી કરાવી હતી. નોંધનીય છે કે,આ દબાણ મામલે હાઇકોર્ટનો મનાઈ હુકમ અમલમાં હતો જે ગઈકાલે ઉઠતા જ મામલતદાર વિછિયા દ્વારા દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લાના વિછિયા ખાતે સરકારી ખરાબાના બિનનંબરી ૬ પૈકી ની જમીનમાં 622 ચો.મી.જમીન ઔદ્યોગિક હેતુ માટે ફાળવેલ હતી જો કે, આ જમીનનો વાણિજ્ય ઉપયોગ થતાં શરતભંગ થયો હતો. જો , આસામીઓ દ્વારા આ મામલે હાઈકોર્ટમાંથી મનાઈ હુકમ મેળવી લીધો હતો. બીજીતરફ ગઈકાલે મનાઈ હુકમ ઉઠતાની સાથે જ મામલતદાર વિછીયા દ્વારા ઔદ્યોગિક હેતુની જમીન ઉપર ખડકી દેવામાં આવેલ 3 દુકાન તેમજ એક ગોડાઉનનું દબાણ દૂર કરી આશરે રૂપિયા 50 લાખની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.ઉલ્લેખનીય છે કે, ઔદ્યોગિક હેતુની આ જમીન ઉપર એક હાર્ડવેરની દુકાન, એક ફર્નિચરની દુકાન તેમજ એક ગોડાઉન બની ગયા હતા.