અમેરિકા યુક્રેનને છોડીને UNમાં રશિયા સાથે ઊભું રહ્યું : યુક્રેનની વિરુદ્ધમાં મતદાન કર્યું
ટ્રમ્પના આગમન સાથે જ અમેરિકાની વિદેશ નીતિએ યુ ટર્ન લીધો હોય તેમ સોમવારે યુનાઇટેડ નેશનની સામાન્ય સભામાં અમેરિકાએ યુક્રેન અને તેના યુરોપિયન સાથે રાષ્ટ્રોએ રજૂ કરેલા યુદ્ધના ન્યાયી અને શાંતિપૂર્ણ ઉકેલની માંગણી કરતા ઠરાવની વિરુદ્ધમાં મતદાન કરી રશિયાને સાથ આપ્યો હતો.ભારત મતદાનથી અળગું રહ્યું હતું. યુક્રેન દ્વારા રજૂ થયેલા ઠરાવમાં નાગરિકો સહિત મોટાપાયે વિનાશ અને માનવીય પીડા સર્જનાર યુદ્ધમાં તણાવ ઘટાડવા, ઝડપથી યુદ્ધનો અંત લાવવા અનેન્યાયી અને કાયમી શાંતિપૂર્ણ ઉકેલ ની હાકલ કરવામાં આવી હતી.
યુનાઇટેડ નેશનના 193 સભ્યો દેશોમાંથી યુક્રેન અને યુરોપના દેશો સહિત 93 રાષ્ટ્રોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે બેલારુસ, નોર્થ કોરિયા, સુદાન અને અમેરિકા સહિત 18 દેશોએ તેની વિરુદ્ધમાં મત આપ્યો હતો. ભારત સહિત 65 દેશોએ મતદાનથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.
નોંધનીય છે કે રશિયા સામેના યુદ્ધમાં અત્યાર સુધી અમેરિકાની મદદ ને કારણે જ યુક્રેન ટકી શક્યું છે. આ અગાઉ યુએનમાં રજૂ થયેલા તમામ ઠરાવોમાં અમેરિકાએ યુક્રેનની તરફેણમાં અને રશિયાની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું પણ હવે અમેરિકાએ યુક્રેનનો સાથ છોડી દીધો છે. બે પરંપરાગત હરિફો અમેરિકા અને રશિયા હવે મિત્રો બની ગયા છે. યુક્રેનની વિરુદ્ધમાં અમેરિકાએ મતદાન કર્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે.
અત્રે એ યાદ કરવું જરૂરી છે કે ટ્રમ્પે એ યુદ્ધ માટે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને જવાબદાર ગણાવ્યા હતા.
તેમણે ઝેલેન્સ્કીને કોમેડિયન અને જોકર ગણાવી ઠેકડી ઉડાવી હતી.ટ્રમ્પ ના આ વલણ ને કારણે અમેરિકા અને તેના પરંપરાગત સાથે એવા યુરોપના રાષ્ટ્રો વચ્ચે ગંભીર મતભેદો સર્જાયા છે અને તેનું પ્રતિબિંબ યુનોમાં થયેલા મતદાનમાં જોવા મળ્યું હતું.
બોક્સ
65 દેશોનું ‘ નરો વા કુંજરો વા ”કવાડ ‘ દેશોમાં પણ ભાગલા
સંવાદ દ્વારા યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલની હિમાયત કરનાર ભારત મતદાનથી અળગું રહ્યું હતું. ભારતના પાડોશી રાષ્ટ્રોમાં ચીન, બાંગ્લાદેશ,પાકિસ્તાન અને શ્રીલંકાએ પણ મતદાન થી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. જ્યારે ભૂતાન,મ્યાનમાર, નેપાળ અને માલદીવે યુક્રેન ની તરફેણમાં મત આપ્યા હતા. બ્રિક્સ સંગઠનના સભ્ય દેશો પૈકી રશિયાએ દેખીતી રીતે જ યુક્રેનના ઠરાવની વિરુદ્ધ મત આપ્યો હતો. જ્યારે એ સંગઠનના ભારત બ્રાઝિલ, ચીન અને સાઉથ આફ્રિકાએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. બીજી તરફ કવાડ સંગઠનમાં આ મુદ્દે સર્જાયેલા મતભેદો સપાટી પર આવી ગયા હતા. અમેરિકાએ વિરુદ્ધમાં મતદાન કર્યું અને ભારત મતદાન થી દૂર રહ્યું પણ એ સંગઠનના ઓસ્ટ્રેલિયા અને જાપાને યુક્રેનના ઠરાવની તરફેણ કર્યું હતું.