બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રની વિતરણ કામગીરી પુરી: રાજકોટ થી સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં પેપર પહોંચ્યા
રવિવારે ધોરણ 10 અને સોમવારે ધોરણ 12 ના પ્રશ્નપત્રો ચૌધરી હાઇસ્કુલ ખાતેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત દ્વારા એસટીના માધ્યમથી રવાના કરાયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 ની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે તે પૂર્વે અંતિમ તૈયારીઓ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ચાલી રહી છે જેમાં રવિવારે ધોરણ 10 ના પ્રશ્નપત્ર 11 જિલ્લાઓમાં વિતરણ કર્યા બાદ સોમવારે ધોરણ 12 ના પ્રશ્નપત્રોને સ્ટ્રોંગ રૂમમાંથી રવાનાં કરવામાં આવ્યા છે.
રાજકોટથી ચૌધરી હાઈસ્કૂલથી ભાવનગર, જામનગર, જુનાગઢ, પોરબંદર ગીર સોમનાથ, દ્વારકા, સુરેન્દ્રનગર અને કચ્છ એમ 11 જિલ્લાઓમાં પ્રશ્નપત્ર મોકલી દેવામાં આવ્યા છે.
જ્યારે રાજકોટ અને મોરબી જિલ્લામાં સોમવારે સવારે ધોરણ 10 અને 12 ના પ્રશ્નપત્ર નું વિતરણ સ્ટ્રોંગ રૂમમાંથી એક દિવસના માધ્યમથી કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ બંદોબસ્ત સાથે આ પ્રશ્નપત્ર વિતરણ કરાયા છે.
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના પૂર્વ નાયબ નિયામક અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રશ્નપત્રો માટે રાજકોટથી વિતરણ માટેના ઇન્ચાર્જ આર એસ ઉપાધ્યાયને ચાર્જ સોંપવામાં આવ્યો છે તેઓએ જણાવ્યું હતું કે આ વર્ષે બોર્ડની પરીક્ષા 15 દિવસ વહેલી લેવાના છે જેથી પરિણામ પણ વહેલું આવે તેવી સંભાવના છે.