ચેમ્પિયન્સ ટ્રોફી 2025 : ઈન્ડિયા-પાકિસ્તાન હાઈવોલ્ટેજ મેચ માણવા મટે દુબઈમાં સ્ટાર્સનો જમાવડો
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૫માં ક્રિકેટરસિકો જેની આતૂરતાથી રાહ જોઈને બેઠા હતા તે ભારત-પાકિસ્તાન મુકાબલામાં ભારતે શાનદાર જીત મેળવી હતી. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પરાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને છ વિકેટે રગદોળી નાખ્યું હતું. ભારતની જીતનો હિરો વિરાટ કોહલી રહ્યો હતો જેણે અણનમ સદી ફટકારી હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ માટે ૯૯% `ફાઈનલ’ થઈ ચૂકી હતી. જો ન્યુઝીલેન્ડ આજે બાંગ્લાદેશને હરાવી દે તો ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ માટે `ફાઈનલ’ થઈ જશે. ભારત-પાકિસ્તાનની મેચ માટે જનતામાં તો ઉત્સાહ અને જોશ જોવા મળ્યો જ હતો સાથે સાથે સ્ટાર્સમાં પણ ક્રેઝ જોવા મળ્યો હતો. દુબઈમાં રમાઈ રહેલી આ મેચમાં અનેક સ્ટાર્સ જોવા મળ્યા હતા.
ઈન્ડિયા-પાકિસ્તાનની મેચ જોવા અનેક સ્ટાર્સ દુબઈ પહોંચ્યા
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાનની દુબઈમાં આયોજિત મૅચ જોવા માટે સ્ટેડિયમમાં ક્રિકેટ-ફૅન્સની સાથે બન્ને દેશના સ્ટાર્સે મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ICC ચૅરમૅન જય શાહ, પાકિસ્તાન બોર્ડના ચૅરમૅન મોહસિન નકવી, ભારતના કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર સહિત ICC અને BCCIના મોટા અધિકારીઓ સ્ટેડિયમ પહોંચ્યા હતા. ભારતીય ટીમના સ્ટાર પ્લેયર્સ જસપ્રીત બુમરાહ, તિલક વર્મા અને અભિષેક શર્માએ પણ સ્ટેડિયમ પહોંચીને સૌને ચોંકાવ્યા હતા. T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ પોતાની પત્ની સાથે મૅચનો આનંદ લેતો જોવા મળ્યો હતો. પત્ની રિતિકા સજદેહ સહિત કૅપ્ટન રોહિત શર્માની ફૅમિલીના સભ્યો પણ મૅચ જોવા પહોંચ્યાં હતાં.
ભૂતપૂર્વ પ્લેયર્સમાંથી ભારતનો શિખર ધવન અને પાકિસ્તાનનો ભૂતપૂર્વ કૅપ્ટન સરફરાઝ ખાન ટ્રોફી સાથે મૅચ પહેલાં મેદાન પર આવ્યા હતા. નવી મુંબઈમાં શનિવારે ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગમાં ઇન્ડિયા માસ્ટર્સ માટે સૌથી વધુ ત્રણ વિકેટ લેનાર ઇરફાન પઠાણ પણ ગઈ કાલે ભારતીય ફૅન્સ સાથે દુબઈમાં મૅચનો આનંદ માણતો જોવા મળ્યો હતો. સાઉથની સિનેમા ઇન્ડસ્ટ્રીના મેગા સ્ટાર ચિરંજીવી, પુષ્પા ફિલ્મના ડાયરેક્ટર સુકુમાર અને બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના ફોટોઝ પણ દુબઈ સ્ટેડિયમથી વાઇરલ થયા હતા. ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ અભિનેતા સની દેઓલ સાથે આ મૅચનો આનંદ લેતો જોવા મળ્યો હતો
વિરાટ કોહલીએ વન-ડે આંતરરાષ્ટ્રીયમાં ૫૧મી સદી ફટકારી
આ મેચમાં વિરાટ કોહલીએ વન-ડે આંતરરાષ્ટ્રીયમાં ૫૧મી સદી ફટકારી હતી. કોહલીએ ચોગ્ગો ફટકારીને આ સદી પૂણૅ કરી હતી. આ મેચમાં ભારતે ૨૪૨ રનનો લક્ષ્યાંક ૪૨.૩ ઓવરમાં જ હાંસલ કર્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતીય ટીમની શરૂઆત શ્રેષ્ઠ રહી હતી. ભારતને પહેલો ઝટકો પાંચમી ઓવરમાં જ લાગ્યો હતો કેમ કે કેપ્ટન રોહિત શર્મા ૧૫ બોલમાં ૨૦ રન બનાવી આઉટ થયો હતો. અહીંથી શુભમન ગીલ અને કોહલીએ મળીને ૬૯ રનની ભાગીદારી કરી હતી. ગીલ ૫૨ બોલમાં ૪૬ રન બનાવી આઉટ થતાં એક સુંદર ભાગીદારીનો અંત આવ્યો હતો.