પાયલ હોસ્પિટલનો કેમેરો સુરતના પરીત ધામેલિયાએ હેક કર્યો હતો…!
પરીત ઉપરાંત મહારાષ્ટ્રના રાયન પરેરાએ પણ હોસ્પિટલના ફૂટેજ હેક કર્યાનો ઘટસ્ફોટ
માસ્ટર માઈન્ડ પ્રજ્વલ તૈલીનો ભાગીદાર વૈભવે `મેઘા ડેમોસ’ ગ્રુપનું માર્કેટિંગ કર્યું હતું: ત્રણેયની ધરપકડ
રાજકોટ જ નહીં બલ્કે આખા દેશને હચમચાવી નાખે તેવી ઘટના થોડા સમય પહેલાં બનવા પામી હતી. ૧૫૦ ફૂટ રોડ પર આવેલી પાયર મેટરનિટી હોસ્પિટલના લેબર રૂમના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં પોલીસ દોડતી થઈ હતી. આ અંગેની ફરિયાદ નોંધાતાં જ અમદાવાદ સાયબર ક્રાઈમે આ કાંડને અંજામ આપનારા મહારાષ્ટ્રના બે યુવકની ધરપકડ કરી હતી સાથે સાથે યુ-ટ્યુબ ચેનલ ઉપર પ્રયાગરાજ ખાતે કુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો-તસવીરો અપલોડ કરનાર પ્રયાગરાજના યુવકને પણ પકડી લીધો હતો. આ બધાની વચ્ચે પોલીસને વધુ એક મોટી સફળતા મળી હોય તેમ પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક કરનાર બે યુવક સહિત ત્રણને પકડી લેવાયા હતા.
પોલીસ તપાસમાં ખુલ્યા પ્રમાણે પાયલ હોસ્પિટલના લેબર રૂમના કેમેરાને સુરતના પરિત ઘનશ્યામભાઈ ધામેલિયા નામના યુવકે ઘરબેઠા હેક કર્યો હતો. જ્યારે અહીંના કેમેરાને હેક કરવાનું કારસ્તાન અન્ય એક યુવકે પણ કર્યું હતું જે મહારાષ્ટ્રમાં રહે છે અને તેનું નામ રાયન રોબિન પરેરા હોવાનું સામે આવ્યું છે. રાયને અન્ય હોસ્પિટલના સીસીટીવી હેક કરીને ટેલિગ્રામ ઉપર તેનું વેચાણ કર્યું હતું. જ્યારે મહારાષ્ટ્રનો જ અન્ય એક યુવક વૈભવ બંડુ માને પણ પકડાઈ ગયો છે જે આ કાંડના માસ્ટર માઈન્ડ પ્રજ્વલ તૈલીનો ભાગીદાર હોય તેણે મેઘા ડેમોસ નામની ચેનલનું માર્કેટિંગ કર્યું હતું. આ ત્રણેયને અમદાવાદ સાયબર ક્રાઈમે પકડીને આ કાંડમાં સામેલ અન્ય લોકોની તલાશ શરૂ કરી છે.
પરિત-રાયને ૯ મહિનામાં ૫૦ હજારથી વધુ સીસીટીવી હેક કર્યા
પોલીસ તપાસમાં એવી વિગત પણ સામે આવી છે કે પરિત અને રાયન કે જે હેકર્સ છે તેમણે ૯ મહિનામાં ૫૦ હજારથી વધુ સીસીટીવી હેક કર્યા હતા. આ બન્નેએ શાળા-કોલેજ, ઓફિસ, બેડરૂમ, હોસ્પિટલ સહિતની જગ્યાએ ગોઠવાયેલા કેમેરાને નિશાન બનાવી તેને હેક કરી વીડિયો બનાવ્યા હતા અને પછી ટેલિગ્રામ ઉપર તેને અપલોડ કરીને આઠેક લાખ રૂપિયાની કમાણી કરી હતી.
પાયલ હોસ્પિટલનો વીડિયો ટેલિગ્રામ ઉપર બાંગ્લાદેશના આઈડી પરથી પણ મળ્યો
સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા પ્રમાણે રાજકોટની પાયલ હોસ્પિટલનો વીડિયો ટેલિગ્રામ ઉપર બાંગ્લાદેશના આઈડી ઉપરથી પણ મળ્યો હોવાથી હવે ટૂંક સમયમાં ટેલિગ્રામ પ્લેટફોર્મને પણ આ અંગે પત્ર લખી જાણકાલી મેળવવામાં આવશે. એકંદરે આ વીડિયો ઝડપથી ડિલિટ કરાવાશે.