ભારત-પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીનો મુકાબલો ભલે દુબઈમાં રમાયો હોય પરંતુ તેની અસર બન્ને દેશની શેરી-શેરીઓમાં જોવા મળી હતી. ભારતમાં આ મેચનો આવો જ રોમાંચ બિહારમાં જોવા મળ્યો હતો. આ મેચનો આનંદ અબજો લોકોએ ઉઠાવ્યો હતો પરંતુ બિહારમાં અલગ જ દિવાનગી જોવા મળી હતી.
આ દિવાનગીને કારણે જ બિહારના એક વિભાગે પોતાનો નિર્ણય બદલવા મજબૂર બનવું પડ્યું હતું. આ મેચ બપોરે ૨:૩૦ વાગ્યાથી શરૂ થઈ હતી પરંતુ તેના પહેલાં વિદ્યુત વિભાગે એક નિર્ણય લીધો હતો જેને બાદમાં ક્રિકેટરસિકોના દબાણને કારણે બદલવો પડ્યો હતો.
બિહારના નવાદા જિલ્લામાં આ ઘટના બની હતી. અહીં વિજળી વિભાગ દ્વારા ૨૩ ફેબ્રુઆરીએ વિજ લાઈનને મેન્ટેનન્સ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેના કારણે વીજ પૂરવઠો ખોરવાઈ જાત. વીજળી વિભાગે ૨૩ ફેબ્રુઆરીએ સવારે ૧૧થી બપોરે ૪ વાગ્યા સુધીનું શટડાઉન જાહેર કર્યું હતું. જો કે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ હોવાને કારણે આ નિર્ણય પડતો મુકીને કામ જ સ્થગિત કરી દેવું પડ્યું હતું.