ઈટાલીના વડાપ્રધાન મેલોનીએ ટ્રમ્પ અને મોદી વિષે શું કહ્યું ? જુઓ
ઈટાલીના વડાંપ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ દાવો કર્યો છે કે, અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ વિશ્વના ડાબેરીઓ ગભરાઈ ગયાં છે. તેમણે વડાપ્રધાન મોદીનું નામ લઈને કહ્યું કે, દક્ષિણપંથી નેતા આજના સમયે જ્યારે પણ કંઈક બોલે છે, તો લોકતંત્ર માટે જોખમ ઊભું થઈ ગયાની વાતો કરવામાં આવે છે. જોખમ કઈ રીતે ઊભું થઈ શકે ? તેવો સવાલ પણ એમણે કર્યો હતો.
વોશિંગ્ટન ડીસીમાં કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કૉન્ફેંસમાં શનિવારે એક વીડિયો લિંકના માધ્યમથી મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકન ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સના વખાણ કર્યાં હતાં. ઈટાલીના વડાપ્રધાને તર્ક આપ્યો કે, ટ્રમ્પની સત્તામાં વાપસીથી ડાબેરીઓ હતાશ છે.
ડાબેરીઓ પર નિશાન સાધતા મેલોનીએ કહ્યું કે, ‘લેફ્ટમાં આજે એટલે નિરાશા નથી કારણ કે, જમણેરી નેતા જીતી રહ્યાં છે. પરંતુ, એટલે પણ તેઓ હતાશ છે કારણ કે, આ જમણેરી નેતાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરી રહ્યા છે. જ્યારે બિલ ક્લિંટન અને ટોની બ્લેયરે 90ના દાયકામાં લિબરલનું ગ્લોબલ નેટવર્ક બનાવ્યું તો તેમને રાજનેતા કહેવામાં આવતા હતાં. આજે જ્યારે ટ્રમ્પ, મેલોની, ઝેવિયર મીલૈ અથવા મોદી વાત કરે તો લોકતંત્ર માટે જોખમ કહેવામાં આવે છે.’
મેલોનીએ આ વિશે આગળ કહ્યું કે, ‘આ તેમના બેવડાં માપદંડ છે. પરંતુ, અમને આની આદત છે. સારી ખબર એ છે કે, લોકો હવે તેમના જૂઠાણાં પર વિશ્વાસ નથી કરતાં, ભલે તે અમારા પર ગમે તેટલું કિચડ કેમ ન ફેંકે જનતા અમને મત આપી રહી છે.’