મોરેશિયસમાં વડાપ્રધાન મોદીને વિશેષ બહુમાન
૧૨ માર્ચે રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને મોરેશિયસની મુલાકાત લેશે. મોદી 12 માર્ચે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હશે. આ સમારોહ માટે મોરેશિયસના વડાપ્રધાન નવીન રામગુલામે મોદીને આમંત્રણ મોકલ્યું હતું. નવીન રામગુલામે ખુદ સંસદમાં આ બાબતની જાણકારી આપી હતી. ભારત ઘણા સમયથી મોરેશિયસ સાથેના સંબંધ સુધારવાના પ્રયત્નો કરી રહ્યું છે.
મોરેશિયસમાં લગભગ 70% વસ્તી ભારતીય મૂળની છે અને અહીં ભારતીયો માટે ઘણી લાગણી જોવા મળે છે . મોરેશિયસ હિન્દ મહાસાગરમાં સ્થિત એક નાનો ટાપુ દેશ છે. તે આફ્રિકાના દક્ષિણ-પૂર્વ કિનારે મડાગાસ્કરની પૂર્વમાં 800 કિમીના અંતરે આવેલું છે.
મસ્કરેન ટાપુઓનો ભાગ છે. મોરેશિયસની રાજધાની પોર્ટ લુઇસ છે. મોરેશિયસને 12 માર્ચ, 1968ના રોજ બ્રિટનથી આઝાદી મળી હતી. અહીંની વસ્તી લગભગ 12 લાખ છે. તેમાંથી લગભગ 70% વસ્તી ભારતીય મૂળની છે.
મોરેશિયસને મિની ભારત કહેવાનું મુખ્ય કારણ એ છે કે અહીં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે. આઝાદી પહેલા યુપી અને બિહારમાંથી મોટી સંખ્યામાં લોકોને મજૂરી માટે અહીં લાવવામાં આવ્યા હતા. આથી મોરેશિયસમાં ભાષા અને બોલી ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ભારતીય વસ્ત્રો પહેરીને જોવા મળશે, જે વિદેશમાં મિની ઈન્ડિયા હોવાનો અહેસાસ કરાવે છે.