ગીર સોમનાથ જિલ્લા કલેકટર પાસે 100 કરોડથી વધુ સંપત્તિ હોવાનો પૂર્વ સાંસદનો આરોપ
પૂર્વ સાંસદ દિનુ સોલંકી V/S ગીર કલેકટર ડી.ડી.જાડેજા
ગીર કલેકટરે રાજકોટના ન્યારી ડેમના કેચમેન્ટ એરિયામાં ફાર્મ બનાવ્યું હોય તપાસની માંગણી
રાજકોટ : રાજકોટના વતની અને ડિમોલિશનમેન તરીકે જાણીતા ગીર સોમનાથ કલેકટર ડી.ડી.જાડેજાએ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર નજીક ગેરકાયદેસર દબાણો હટાવી પડકાર જનક કામગીરી કરવાની સાથે ગીર સોમનાથ જિલ્લામાં સસ્તા અનાજના કાળાબજાર સહિતના ગેરકાનૂની કામો ઉપર આક્રમક રીતે કાર્યવાહી કરતા હવે આ અધિકારી સામે પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીએ ભ્રષ્ટાચારના આરોપ લગાવવાની સાથે જ રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ લેખિત ફરિયાદ કરી ડી.ડી.જાડેજાએ ન્યારી ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે (આદિરાજ) આદિનાથ ફાર્મ નામની વિશાળ જગ્યા બનાવી હોય દાખલારૂપ કાર્યવાહી કરવા માંગણી કરતા રાજકીય આલમની સાથે આઈએએસ લોબીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીને લેખિત ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, સરકાર તેમજ સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડ લાઈન મુજબ સમગ્ર દેશમાં અને રાજયમાં સરકારી જમીનો ઉપર અનધિકૃત કબજાઓ બાંધકામો હટાવવામાં આવી રહયા છે અને તેના ભાગરૂપે ગુજરાત રાજયના ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિવિજયસિંહ જાડેજા દ્વારા સમગ્ર જિલ્લામાં મનસ્વી રીતે કાયદાઓનું અર્થઘટન કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે સ્વભાવીક પણે નાગરીકો ઉપર અતિરેક થાય ત્યારે પ્રશ્નો પણ ઉભા થતા હોય છે.
વધુમાં તેઓએ જિલ્લા કલેક્ટરને પાઠવેલા પત્રમાં ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, મને મળેલી માહીતી મુજબ ગીર સોમનાથ કલેકટર દિવિજયસિંહ જાડેજા દ્વારા રાજકોટ જિલ્લામાં આવેલ ન્યારી ડેમના કેચમેન્ટ એરીયા (પ્રતિબંધિત વિસ્તાર) માં તેઓના નામે અથવા તેમના પરીવારના સભ્યોના નામે એક વિશાળ ફાર્મ હાઉસ કે જેનુ નામ ” આદીનાથ ફાર્મ” ના નામથી વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલ છે. હું એક જનપ્રતિનિધિના નાતે આપનુ ધ્યાન દોરૂ છું કે, આ અંગે આપના માધ્યમથી તાત્કાલીક તપાસ કરી એક દાખલારૂપ કાર્યવાહી કરી આ રાજયની સામાન્ય જનતાને પણ પ્રતિપાદ થાય કે દેશનું બંધારણ સહુ માટે સમાનતાના માપદંડથી કાર્યવાહી થાય છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે કોડિનારથી રજુઆત માટે દોડી આવેલા પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ ગીર સોમનાથ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા વિરુદ્ધ બેફામ આક્ષેપો કરી કહ્યું હતું કે, ડી.ડી.જાડેજા રાજકોટ રૂડામાં હતા ત્યારે અદિરાજ ફાર્મની મંજૂરી તેઓએ જ આપી હતી અને આ ફાર્મની કિંમત રૂપિયા 20 કરોડ હોવાનું તેમજ તેઓએ પરિવારના નામે 100 કરોડની સંપત્તિ એકત્રિત કરી હોવાનું જણાવી એક તબ્બકે કલેક્ટરને લૂંટારુ કહી તેઓ દિવસ રાત ગરીબ લોકોને લૂંટી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું. સાથે જ તાજેતરની નગરપાલિકાની ચૂંટણીમાં પણ તેઓએ કોંગ્રેસને મદદ કરી હોવાનો આરોપ લગાવી દિગ્વિજયસિંહ જાડેજાએ કરેલા ભ્રષ્ટાચાર મામલે સરકારમાં ફરિયાદ કરી એક સમિતિ બનાવી હોવાનું પણ જણાવ્યું હતું.સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ફરિયાદ તેઓને મળી હોવાનું જણાવી સમગ્ર મામલે સંબંધિત અધિકારી મારફતે તપાસ કરવા સંકેત આપ્યા હતા.