જેલમાંથી છૂટેલા દુષ્કર્મના દોષિતે માસૂમ બાળકીને પીંખી નાખી
મધ્ય પ્રદેશમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ
અગાઉના ગુનામાંસારી વર્તણૂક ના નામે નરાધમની ત્રણ વર્ષની સજા માફ કરાઇ હતી
મધ્ય પ્રદેશના સતના માં અગાઉના દુષ્કર્મના કેસમાં જેલવાસ ભોગવી બહાર આવેલા એક નરાધમે ફરી એક વખત પાંચ વર્ષની માસૂમ દલિત બાળા ઉપર દુષ્કર્મ આચરતા હાહાકાર મચી જવા પામ્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર રાકેશ વર્મા નામનો શખ્સ આ હતભાગી બાળકીને કેન્ડી ની લાલચ આપી ઉઠાવી ગયો હતો.બાળકી ગુમ થયાની જાણ થયા બાદ એના પરિવારજનો તેમ જ પોલીસે સઘન શોધખોળ હાથ ધરતા બે કલાક બાદ બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.ગંભીર હાલતમાં તેને રેવાની હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં તબીબોએ બાળકી દુષ્કર્મનો ભોગ બની હોવાનું જણાવ્યું હતું.પોલીસે આરોપી રાકેશ સામે પોકસો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
આ ધૃણાસ્પદ કૃત્ય આચરનાર રાકેશ વર્માને 2012 માં સાડા ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં દસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.જો કે બાદમાં સારી વર્તણૂક ના નામે તેની ત્રણ વર્ષની સજા માફ કરવામાં આવતા દોઢ વર્ષ પહેલાં તે જેલ મુક્ત થયો હતો અને વધુ એક હીન કૃત્ય આચર્યું હતું.
