ચેમ્પિયન્સ ટ્રોફી: આજે ભારત સામે બાંગ્લાદેશના કપરાં ચઢાણ ; જીત સાથે અભિયાન શરૂ કરવાના ઈરાદે ઉતરશે ટીમ ઈન્ડિયા
ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે બપોરે ૨:૩૦ વાગ્યાથી ભારત-બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો થવાનો છે. કાગળ ઉપર ભારતનું પલડું અત્યંત ભારે હોવાથી બાંગ્લાદેશ સામે કપરાં ચઢાણ રહેશે. ગ્રુપ સ્ટેજમાં ભારતે ત્રણ મેચ રમવાની છે અને દરેક મેચ જીતવી જરૂરી હોવાથી કોઈ પણ જોખમ ઉઠાવશે નહીં. ભારત આ ટૂર્નામેન્ટ પહેલાં ઈંગ્લેન્ડ સામે વન-ડે શ્રેણી પોતાના નામે કરી ચૂક્યું હોવાથી તેનો આત્મવિશ્વાસ સાતમા આસમાન પર છે.

ટૂર્નામેન્ટ જીતવાની પ્રબળ દાવેદાર ભારતીય ટીમ પોતાના અભિયાનનો પ્રારંભ જીત સાથે કરવા માંગશે. રોહિત, કોહલી અને ત્યાં સુધી કે હેડ કોચ ગૌતમ ગંભીર પાસે પણ વધુ સમય નથી કેમ કે ન્યુઝીલેન્ડ અને ઑસ્ટે્રલિયા વિરુદ્ધ મળેલી નિષ્ફળતાના ઝટકા હજુ સુધી ઓછા થયા નથી. કેપ્ટન રોહિતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ શાનદાર સદી તો કોહલીએ ફિફટી બનાવી હતી. ગંભીરના માર્ગદર્શનમાં ભારતે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય અને વન-ડે શ્રેણીમાં ક્રમશ: ૪-૧ અને ૩-૦થી શાનદાર જીત મેળવી હતી.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક હાર પણ સમીકરણ બદલી શકે તેમ હોવાથી ભારતીય ટીમ જીતવા માટે પૂરી તાકાત લગાવી દેશે. આ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ અને નેટવર્ક-૧૮ ચેનલ ઉપર જોઈ શકાશે તો ઓનલાઈન જિયોહોટસ્ટાર પર નિહાળી શકાશે.