ઇન્કમટેક્સ વિભાગનું નવા વર્ષનું સૌથી મોટુ ઓપરેશન : ભાવનગરમાં સુમેરુ ડેવલોપર્સ સહિત 30 સ્થળોએ દરોડા
નવા વર્ષમાં આવકવેરા વિભાગે ભાવનગરમાં સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધરતાં કરદાતાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભાવનગરનાં નામી સુમેરુ ડેવલપર્સ અને ધોળકિયા ગ્રુપ સહિત 30 જેટલા સ્થળો પર મેગા સર્ચ ઓપરેશન હાથ ધરતા સૌરાષ્ટ્રભરનાં ઉદ્યોગકારોમાં સન્નાટો વ્યાપી ગયો છે.
વાપી,વલસાડમાં બિલ્ડર ભાનુશાળી ગ્રુપ, અમદાવાદ, ગાંધીધામ, મોરબીમાં દેવ સોલ્ટને ત્યાંથી કરોડો રૂપિયાની કરચોરી ઝડપાયા બાદ નવા વર્ષમાં ઇન્કમટેક્સની ટીમે રાહતનો શ્વાસ લીધા વિના લગાતાર સર્ચ ઓપરેશન ચાલુ રાખી કરચોરોની નીંદર ઉડાડી દીધી છે.

સુત્રો પાસેથી વિગતો મળ્યા મુજબ અમદાવાદની ટીમ દ્વારા ભાવનગરમાં આવેલા સુમેરુ ડેવલપર્સ અને ધોળકિયા ગ્રુપ સહિત તેની સાથે સંકળાયેલા અન્ય લોકોને ત્યાં પણ દરોડા એ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત બિલ્ડર ગિરીશ શાહ, નાઝીર કલીવાલા, ભરત વાડીલાલ, બી.વી. મહેતા, દ્વારકાદાસ વીરચંદ જ્વેલર્સ, જે ડી પટેલ,કમલેશ શાહ, મહાબલ ફાઇનાન્સ સહિત 30 જેટલા સ્થળો પર તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આખી ટીમને “રાજકોટ”તેડાવાઈ…!!
ભાવનગરમાં આવકવેરા વિભાગનું જે ઓપરેશન ચાલી રહ્યું છે તે સર્ચ ઓપરેશન અમદાવાદની ટીમએ લીડ કર્યું છે, દરોડા પહેલા અમદાવાદ તેમજ સૌરાષ્ટ્રની ટીમને રાજકોટ બોલાવાઈ હતી. રાજકોટમાં બધા અધિકારીઓ ભેગા થયા બાદ મધરાતે ભાવનગર તરફ રવાના થયા હોવાની માહિતીઓ મળી હતી.