દિલ્હીમાં ભાજપની સરકારનો શપથ સમારોહ ક્યારે યોજાશે ? જુઓ
દિલ્હીમાં વિધાનસભાની ચુંટણીમાં ભાજપને જોરદાર જીત મળ્યા બાદ હવે સરકાર રચવા અને મુખ્યમંત્રી નક્કી કરવા તેમજ શપથ સમારોહ માટેની તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે . ૧૯ મી તારીખે એટલે કે બુધવારે દિલ્હીના નવા મુખ્યમંત્રી નક્કી થઈ જશે. ભાજપને દિલ્હીની જનતાએ તોતિંગ બહુમતી આપી હતી અને આપના શાસનનો અંત આવ્યો હતો.

સૂત્રોએ આપેલી માહિતી મુજબ ૨૦ મીએ ગુરુવારે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં ભવ્ય શપથ સમારોહ સાંજે ૪-૩૦ વાગે યોજાવાનો છે અને તે માટે તૈયારી શરૂ થઈ ગઈ છે . બુધવારે ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે અને તેમાં મુખ્યમંત્રીનું નામ બહાર આવી જશે. આ બેઠક સોમવારે થવાની હતી પણ છેલ્લી ઘડીએ તારીખ ફરી ગઈ હતી. શપથ સમારોહમાં વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજો હાજરી આપશે.
શપથ સમારોહ માટે વિભિન્ન સરકારી વિભાગ અને સંબંધિત એજન્સીઓ કામે લાગી ગઈ છે . ભાજપના ટોચના નેતાઓ દ્વારા બેઠકો થઈ રહી છે. રામલીલા મેદાનની સફાઈનું કામ સોમવારથી જ શરૂ કરી દેવાયું હતું. સુરક્ષાનો મજબૂત બંદોબસ્ત ગોઠવાઈ જવાનો છે .
શપથ માટે ૩ મંચ ઊભા થશે
૨૦ મીએ યોજાનારા ભવ્ય શપથ સમારોહ માટે રામલીલા મેદાનમાં ૩ મંચ ઊભા કરવામાં આવશે અને તેમાં ૧૫૦ ખુરશીઓ લાગશે. સમારોહમાં ૩ હજારથી પણ વધુ સમર્થકો હાજરી આપવાના છે . વડાપ્રધાન મોદી અને કેબિનેટના સાથીઓ તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપવાના છે.
જ્યાંથી કેજરીવાલનો જન્મ ત્યાંથી જ ભાજપના કેસરિયા
જે રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલનો જન્મ થયો હતો ત્યાંથી જ ભાજપ ૨૭ વર્ષ બાદ દિલ્હીની ગાદી સંભાળશે. મુખ્યમંત્રી તરીકે છેલ્લા કેટલાક દિવસોથી નામો ચર્ચાઇ રહ્યા છે પણ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જ નામ નક્કી કરશે.