મહાકુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતીઓને કાળ ભરખી ગયો : લીમખેડા હાઇવે પર ટ્રક સાથે ટ્રાવેલર અથડાતાં 4 લોકોનાં મોત
અભૂતપૂર્વ સંખ્યામાં ભક્તો મહાકુંભમાં પહોંચીને સંગમમાં સ્નાન કરી રહ્યા છે. જેના કારણે ભારે ભીડને કારણે અનેક અકસ્માતો પણ થઈ રહ્યા છે. મહાકુંભમાંથી પરત ફરતી વખતે ફરી એકવાર ગુજરાતના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. લીમખેડા હાઇવે પર ઊભેલી ટ્રક સાથે ટ્રાવેલર અથડાતાં ચારનાં લોકોના મોત નિપજ્યાં જ્યારે પાંચથી વધુ ઘાયલ થયા છે. ત્યારે ઘટનની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને તેમજ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડાના પાલ્લી ગામ નજીક હાઈવે પર શુક્રવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રયાગરાજ કુંભ મેળામાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટાટા વિંગર ટ્રાવેલર ગાડી (GJ-05-CW-2699) રસ્તા પર ઊભેલી ટ્રક (UP-53-FT-0167) સાથે ધડાકાભેર અથડાઇ હતી.

પ્રયાગરાજના કુંભ મેળામાં સ્નાન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કાર રસ્તા પર સાઇડમાં ઉભેલી ટ્રક સાથે ટકરાતાં 4 શ્રદ્ધાળુઓ મોતે ભેટ્યા હતા, મૃતક શ્રદ્ધાળુઓ ધોળકા અને અંકલેશ્વરના હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 8 શ્રદ્ધાળુને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.