લોહાણાપરા, પેલેસ રોડ, ભૂપેન્દ્ર રોડ પર ૮ દુકાન સીલ
વધુ ૧૮ મિલકતોને તાળાબંધી કરતી મહાપાલિકા, ૩૮.૬૦ લાખની વેરાઆવક
મિલકત વેરા વસૂલાતનો ૪૧૦ કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે ટેક્સ બ્રાન્ચ ઉંધા માથે થઈ જવા પામી છે ત્યારે વેરો ભરપાઈ કરવામાં ઠાગાઠૈયા કરનારા બાકીદારોની મિલકતો ધડાધડ સીલ કરવામાં આવી રહી છે. આવી જ આઠ દુકાન લોહાણાપરા, પેલેસ રોડ, ભૂપેન્દ્ર રોડ સહિતના વિસ્તારોમાં સીલ કરાઈ હતી.

ટેક્સ બ્રાન્ચે વોર્ડ નં.૩માં લોહાણાપરા મેઈન રોડ પર રઘુનાથજી આર્કેડના બીજા માળે દુકાન નં.૨૧૩, પેલેસ રોડ પર સમર્થન કોમ્પલેક્સના બીજા માળે દુકાન નં.૨૦૧, ભૂપેન્દ્ર રોડ પર આવેલા શિરોમણી કોમ્પલેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન નં.૩૨, પેલેસ રોડ પર આર.કે.કોમ્પલેક્સમાં એક મિલકત, સમર્થ કોમ્પલેક્સના બીજા માળે ૨૦૧ નંબરની દુકાન, રાજશ્રૃંગી કોમ્પલેક્સના પહેલાં માળે દુકાન નં.૧, ભૂપેન્દ્ર રોડ પર શિરોમણી કોમ્પલેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન નં.૪, લોહાણાપરામાં રઘુનાથ આર્કેડના બીજા માળે દુકાન નં.૨૧૮ સહિત અલગ-અલગ વોર્ડમાં કુલ ૧૮ મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે ૧૬ મિલકતો સામે સીલની કાર્યવાહી કરાતાં જ ફટાફટ વેરો ભરપાઈ કરવામાં આવતાં તંત્રની તીજોરીમાં વધુ ૩૮.૬૦ લાખ રૂપિયા જમા થવા પામ્યા હતા. આજ સુધીમાં વેરાપેટે મહાપાલિકાને ૩૫૯.૪૬ કરોડની આવક થવા પામી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.