એસ.ટી.માં ચડવા ધક્કામુક્કી થઈ’ને મહિલાના ૧૭ લાખના દાગીના ચોરાયા
માસીના દીકરાના લગ્નમાં પહેરવા બહેન દાગીના ડબ્બામાં ભરીને લઈ જતી હતી ત્યારે આજીડેમ ચોકડી પાસે બનેલો બનાવ
રાજકોટમાં ચોરી, લૂંટફાટ, છેતરપિંડી હવે તો જાણે રોજિંદા બની ગયા હોય તેમ દરરોજ ક્યાંક ને ક્યાંક આવા બનાવ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે ત્યારે તેમાં વધુ એકનો ઉમેરો થવા પામ્યો છે. આજીડેમ ચોકડી પાસે એસ.ટી. બસમાં ચડવા માટે મહિલાઓ વચ્ચે ધક્કામુક્કી થતાં જ તેનો લાભ લઈને કોઈ મહિલાએ બીજી મહિલાના પર્સમાં રાખેલો ૧૭ લાખના સોનાના ઘરેણા ભરેલો ડબ્બો ચોરી લેતાં ચકચાર મચી જવા પામી છે.


આ અંગે લોધીકાના બાલસર ગામે રહેતા શીતલબેન દિનેશભાઈ મેત્રાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત બે ફેબ્રુઆરીએ ખારચીયા ગામે તેમના માસીના દીકરાનાં લગ્ન હોય તેના પ્રસંગમાં હાજરી આપવા માટે તેઓ અન્ય પરિવારજનો સાથે ૧૭ લાખના ઘરેણા ભરેલો ડબ્બો પર્સમાં મુકીને ઘેરથી નીકળ્યા હતા. હરિપર (પાળ) ગામના પાટીયે એમટીવી હોટેલથી અન્ય પરિવારજનો એકઠા થતાં એક રિક્ષા કરીને કેકેવી હોલ સુધી આવ્યા હતા. કેકેવી હોલથી માસી અને તેમની દીકરી પણ સાથે આવતાં સાત લોકો આજીડેમ ચોકડી જવા માટે બીજી ઓટો રિક્ષામાં બેઠા હતા. દસેક વાગ્યા આસપાસ આજીડેમ ચોકડી પહોંચ્યા હતા જ્યાં ખારચીયા જવા માટે આવેલી એસ.ટી.બસમાં બેસવા ગયા હતા પરંતુ ત્યારે ગીર્દી હોવાથી અજાણી મહિલાઓ શીતલબેનની આસપાસ ધક્કામુક્કી કરવા લાગી હતી.
ત્યારબાદ બધા બસમાં બેસી ગયા હતા અને ત્યારે શીતલબેનનું ધ્યાન પર્સની ખૂલી ગયેલી ચેન ઉપર પડ્યું હતું. તેમણે પર્સમાં જોયું તો સોનાના ૧૭.૭૦ લાખના દાગીના ભરેલો ડબ્બો ગાયબ થઈ જતાં તાત્કાલિક પતિને જાણ કરી હતી. જે સોનાના ઘરેણા ગાયબ થયાં તેમાં હાર, બે કંગન, ચેઈન, લેડીઝ માળા, બુંટી, વીંટી સહિતનો સમાવેશ થાય છે.