અમદાવાદમાં ઇંગ્લેન્ડનો વ્હાઇટ વોશ: ટીમ ઇન્ડિયાનો ત્રીજા વન-ડેમાં શાનદાર વિજય, ઇંગ્લેન્ડની ટીમ 214 રનમાં તંબુ ભેગી થઈ
ચેમ્પિયન્સ ટ્રોફીના અઠવાડિયા પહેલા રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાએ એક શાનદાર ખેલ દેખાડ્યો હતો. . ભારતે ૧૦ વર્ષ બાદ વનડેમાં ઈંગ્લેન્ડનો વ્હાઈટ વોશ કરી નાખ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી સીરિઝની અંતિમ અને ત્રીજી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને ૧૪૨ રનથી હરાવીને ઈંગ્લેન્ડના સુપડા સાફ કરી નાખ્યાં હતા. ભારત તરફથી મળેલા ૩૫૭રનના ટાર્ગેટમાં ઈંગ્લેન્ડની ટીમ ૩૪.૨ ઓવરમાં ૨૧૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટોસ હારીને પહેલા બેટિગ કરતાં ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત ૫૦ ઓવરમાં ૩૫૬ રન કર્યાં હતા.
ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. બીજી વનડેમાં તોફાની સદી ફટકારનાર કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં ન ચાલ્યો અને તે બીજી જ ઓવરમાં ૨ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, શુભમન ગિલ અને વિરાટ કોહલીએ જવાબદારી સંભાળી. બંને વચ્ચે બીજી વિકેટ માટે ૧૧૬ રનની ભાગીદારી થઈ હતી. શુભમન ગિલે ૯૫ બોલમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે ૧૦૨ બોલમાં ૧૧૨ રન કર્યાં હતા તો કોહલી અને અય્યરે પણ ફિફ્ટી ફટકારી હતી. કોહલીએ ૫૦ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ તેની વન ડે કારકિર્દીની ૭૩મી અડધી સદી હતી. ત્યાર બાદ હાર્દિક પંડ્યાએ ૧૭ અને અક્ષર પટેલે ૧૩ રનનું યોગદાન આપ્યું હતું.

શુભમન ગિલે સદી ફટકારી
અમદાવાદ વનડેમાં શુભમન ટીમ ઈન્ડિયા માટે શુભમેન બન્યો હતો. ગિલે ૯૫ બોલમાં શાનદાર સદી ફટકારી હતી અને ૧૧૨ રન બનાવીને આઉટ થયો હતો. ટાર્ગેટ પૂરો કરવા ઉતરેલા ઈંગ્લેન્ડની શરૂઆત શાનદાર રહી હતી. બેન ડકેટ અને ફિલ સોલ્ટે ૬.૨ ઓવરમાં ૬૦ રનની તોફાની ભાગીદારી કરી હતી. જોકે ફાસ્ટ બોલર અર્શદીપ સિહે આ જોડીને તોડી નાખી હતી અને બન્નેને આઉટ કરાવી દીધાં હતા. ડકેટે ૩૪ અને સોલ્ટે ૨૩ રન ઉમેર્યા. આ પછી, ટોમ બેન્ટન અને જો રૂટે મળીને ત્રીજી વિકેટ માટે ૪૬ રનની ભાગીદારી કરી હતી. કુલદીપ યાદવે બેન્ટન (૩૮) ને પોતાના હાથે કેચ કરાવીને ભાગીદારી તોડી હતી. ત્યારબાદ અક્ષર પટેલે અનુભવી જો રૂટ (૨૪) ને આઉટ કર્યો જ્યારે હર્ષિત રાણાએ કેપ્ટન જોસ બટલર (૬) ને આઉટ કર્યો. ત્યારબાદ હર્ષિતે હેરી બ્રુક (૧૯) ને આઉટ કર્યો હતો.