ભાડાકરારની જગ્યાએ મૈત્રીકરાર પર સાઈન લઈ ગુજાર્યું દુષ્કર્મ !
વૈશાલીનગરમાં આવેલી મેસન ક્લબ ક્રેડિટ સોસાયટીના ચેરમેન પરાગ સોલંકીનું કારસ્તાન
યુવતીએ લગ્ન કરવાની ના પાડતાં મૈત્રીકરાર પર હસ્તાક્ષર લઈ લીધા બાદ કણકોટ પાસે બેલવ્યુ રિસોર્ટ તેમજ વૈશાલીનગરના મકાનમાં બાંધ્યો શારીરિક સંબંધ
રાજકોટમાં દુષ્કર્મનો એક અત્યંત ચકચારી બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં મંડળીના ચેરમેને ભાડાકરારની જગ્યાએ મૈત્રીકરાર પર હસ્તાક્ષર લઈ યુવતીની આબરૂ લૂંટી હતી. આ અંગે આખરે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતાં દોડધામ થવા પામી છે.

મુળ બિલખાની અને હાલ સહકારનગર મેઈન રોડ પર ગુલાબનગર-૧માં પીજીમાં રહેતી ૨૭ વર્ષીય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે એક સંબંધી મારફતે તેને રૈયા રોડપર વૈશાલીનગર સોસાયટીમાં આવેલી મેસન ક્લબ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ નામની મંડળીમાં મહિને આઠ હજારના પગારે નોકરી મળી હતી. આ મંડળીનો ચેરમેન પરાગ અનિલભાઈ સોલંકી (ઉ.વ.૪૫) છે જેણે મને નોકરીએ રાખી હતી. હું સવારે ૯:૩૦ વાગ્યાથી સાંજે ૭:૩૦ વાગ્યા સુધી મંડળીની ઓફિસે કામ કરતી હતી.
આ પછી પરાગ સોલંકી ધીમે ધીમે યુવતી સાથે મીત્રતા કેળવવા લાગ્યો હતો અને યુવતી કામ કરતી હોય ત્યારે પગ અડાડી ઈશારા કરતો હતો. એક દિવસ ઓફિસમાં કોઈ ન્હોતું ત્યારે પરાગે કહ્યું હતું કે મારે જૂનાગઢમાં મંડળીની બીજી ઓફિસ ચાલુંકરવી છે જેમાં ૫૦% હિસ્તો તને આપીશ. તું મને ગમે છે, મારે તારી સાથે લગ્ન કરવા છે, મારે મારી પત્ની સાથે ઝઘડા ચાલે છે એટલે તેને છૂટાછેડાઆપી દેવાના છે. તું મારી સાથે લગ્ન કરીશ ? આવું પૂછતાં યુવતીએ લગ્ન કરવાનો ઈનકાર કર્યો હતો.
આ ઘટના બન્યા બાદ પરાગે યુવતીને કહ્યું હતું કે તેને મંડળીના કામમાં મકાનમાં ભાડા કરારની જરૂર છે જેથી યુવતી પરાગના મકાનમાં રહે છે તેવો એક ભાડા કરાર કરવો પડશે. ત્યારબાદ પરાગ યુવતીને નોટરી પાસે લઈ ગયો હતો અને એક કરાર પર તેના હસ્તાક્ષર લઈ લીધા હતા. થોડા દિવસ પછી પરાગે કહ્યું હતું કે એ ભાડા કરાર નહીં બલ્કે મૈત્રીકરાર હતો ! ત્યારપછી પરાગ યુવતીને કાલાવડ રોડ પર બેલવ્યુ રિસોર્ટ ફ્લેટ (કણકોટ)માં લઈ ગયો અને ત્યાંતેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
નોકરી જવાના ડરે યુવતીએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું જેના કારણે પરાગની હિંમત વધી ગઈ હોય યુવતી ઉપર વૈશાલીનગરમાં આવેલા ઘરમાં પણ દુષ્કર્મ ગુજારતાં આખરે યુવતીએ નોકરી છોડી દીધી હતી અને બીજી જગ્યાએ નોકરી કરવા લાગી હતી જ્યાંથી પણ તેને કઢાવી નાખતાં આખરે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.