સાયબર ક્રાઈમ પોલીસને ‘સજ્જડ’ બનાવતાં CP: પાંચમા PI મુકાયા
પેટા: લિવ રિઝર્વમાં રહેલા જે.એમ.કૈલાને સાયબર ક્રાઈમના ફર્સ્ટ પીઆઈ બનાવાયા
પેટા: ડિઝિટલ અરેસ્ટ, ઓનલાઈન ફ્રોડ સહિતની ગુનાખોરી વધી રહી હોય વધુ એક પીઆઈની નિમણૂક
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ડિઝિટલ અરેસ્ટ, ઓનલાઈન ફ્રોડ સહિતની સાયબર ક્રાઈમ સંબંધિત ગુનાખોરીએ માજા મુકી હોય તેને પહોંચી વળવાનો એક મહાકાય પડકાર પોલીસ સામે મોઢું ફાડીને ઉભો છે. રાજકોટની વાત કરવામાં આવે તો સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં દરરોજથી ૩૫થી ૪૦ અરજી છેતરપિંડી સંબંધિત આવી રહી હોય તેની તપાસ, ગુના નોંધવા સહિતની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટાફ ઉંધામાથે થઈને કામ કરી રહ્યો છે. બીજી બાજુ આ પોલીસ મથકને વધુ સજ્જડ બનાવવા માટે પોલીસ કમિશનર દ્વારા ત્યાં પાંચમા પીઆઈ મુકવાનો હુકમ કર્યો હતો.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ લિવ રિઝર્વમાં કાર્યરત જે.એમ.કૈલાને સાયબર ક્રાઈમ પોલીસ મથકના ફર્સ્ટ પીઆઈ તરીકે નિમણૂક આપતાં હવે અહીં પીઆઈની સંખ્યા પાંચ થઈ જશે. જે.એમ.કૈલા ઉપરાંત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં એમ.એ.ઝણકાટ, આર.જી.પઢિયાર, બી.બી.જાડેજા અને એસ.ડી.ગીલવા એમ ચાર પીઆઈ કાર્યભાર સંભાળી રહ્યા છે. આ ઉપરાંત તાજેતરમાં જ રાજકોટમાં પોસ્ટીંગ થયેલા એસીપી ચિંતન પટેલને પણ સાયબર ક્રાઈમના ઈન્ચાર્જ એસીપી તરીકે જવાબદારી સોંપાઈ છે તો ક્રાઈમ બ્રાન્ચના એસીપી બી.બી.બસિયા પણ અહીંનો ચાર્જ સંભાળી રહ્યા હોય બે ઈન્ચાર્જ એસીપી તેમજ પાંચ પીઆઈ સાયબર ક્રાઈમમાં કાર્યરત થઈ ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગૃહમંત્રીના હસ્તે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં આધુનિક લેબોરેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે ગુનાખોરીના ઝડપી ઉકેલ માટે ઘણી મદદરૂપ થઈ રહી છે ત્યારે હવે વધુ એક પીઆઈની પણ નિમણૂક થઈ જતાં કાર્યવાહીમાં ગતિ આવશે તેમ કહી શકાય.