RMCના પ્લોટ પાંચ વર્ષ સુધી ભાડે અપાશે: વોર્ડ ઓફિસરો હવે ‘કારવિહોણા’
બેકાર ખર્ચથી થતાં તાગડધીન્ના બંધ: ૧૦૦ સિટી બસમાં જાહેરાત પ્રસિદ્ધ કરવાના હક્ક અપાશે
મહાપાલિકાના ૨૦૨૫-૨૬ના બજેટને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે ત્યારે તેમાં કરકસરના રૂપમાં અનેક નિર્ણય લેવામાં આવ્યા છે. અત્યાર સુધી અઢારેય વોર્ડના વોર્ડ ઓફિસર, નાયબ આરોગ્ય અધિકારી સહિતનાને તંત્ર તરફથી કાર આપવામાં આવતી હતી જેનો ખર્ચ અત્યંત વધુ હોવાનું ધ્યાન પર આવતાં જ કારસુવિધા પરત લઈ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એકંદરે ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ, સિક્યુરિટી ખર્ચ, વીજખર્ચ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, વોટર સપ્લાય સહિતના વિભાગો મળી કુલ ૫૦ કરોડના ખર્ચને બચાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યા છે.

આ ઉપરાંત નવી આવક રળવા માટે શહેરમાં દોડતી ૧૦૦ સિટી બસની અંદર-બહાર જાહેરાત માટેના હક્ક આપી ૩.૪૬ કરોડ, સ્માર્ટ સિટી વિસ્તારમાં આવેલા તમામ રોડ ઉપરના લાઈટિંગ પોલ, એલઈડી સ્ક્રીન-કિયોસ્ક દ્વારા જાહેરાત માટેના હક્ક આપી ૩ કરોડની આવક ઉભી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગો ઉપર મહાપાલિકા હસ્તકના ટાઉન પ્લાનિંગ હેતુના પ્લોટને પાંચ વર્ષ કે તેનાથી વધુ સમય માટે કોમર્શિયલ ધોરણે ભાડે આપીને ૬ કરોડની આવક કરાશે. જ્યારે અટલ સરોવરની અંદર આવેલી ૪૨ દુકાનોને ટૂંક સમયમાં ભાડાપેટે આપવામાં આવશે.
વેરાની `વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ’ સ્કીમ ફરી અમલમાં મુકાશે
સ્ટેન્ડિંગ કમિટીએ ૨૦૨૩માં અમલી બનાવેલી વેરાની વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ સ્કીમને બહોળો પ્રતિસાદ મળ્યો હોવાથી હવે ફરીથી તેને અમલી બનાવવામાં આવી છે. આ સ્કીમ થકી મિલકતધારકોને ચડત થયેલા વેરાની રકમના વ્યાજ સાથેના એરિયર્સમાં હપ્તા પદ્ધતિની સુવિધાઆપવામાં આવશે અને બાકી રહેલા ચડત વેરાની રકમની વસૂલાત સરળતાથી કરી શકશે. આમ કરવાથી મહાપાલિકાની આવકમાં વધારો થશે.
બજેટ હાઈલાઈટસ
- કાલાવડ રોડ, ગોંડલ રોડ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી, એસઆરપી કેમ્પ પાસે, બેડી ચોકડી પાસે પાંચ કરોડના ખર્ચે થીમબેઈઝડ એન્ટ્રી ગેઈટ
- શ્રી રામનાથ મહાદેવ મંદિરનું ૨.૫૦ કરોડના ખર્ચે બ્યુટિફિકેશન
- ભગવતીપરામાં મનપાની હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં રમત-ગમતની સુવિધા
- વોર્ડ નં.૪માં બાકી રહેતા ટીપી રોડ પર ડે્રનેજનું કામ ઝડપથી પૂર્ણ કરી મેટલિંગ કરાશે
- પહેલી વખત મહાપાલિકા બનાવશે પશુ દવાખાનું
- એડવાન્સ મિલકત વેરો ભરપાઈ કરનાર દિવ્યાંગો તેમજ એક્સ આર્મીમેન મિલકતધારકના નામે એક વૃક્ષનું વાવેતર
- શહેરમાં જન્મ લેનાર દરેક બાળકી-બાળકીઓના નામે એક વૃક્ષનું વાવેતર
- વોર્ડ નં.૧૨માં બગીચો
- રેસકોર્સ રિંગરોડપર એલઈડી ડેકોરેટિવ લાઈટિંગ
- રેસકોર્સના લોક વિજ્ઞાન કેન્દ્રના ઓડિટોરિયમનું નવીનીકરણ
- લાખાજીરાજ શાક માર્કેટમાં ફ્રૂટ માર્કેટ-હોકર્સ ઝોન
- વોર્ડ નં.૩ના માધાપર વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રનું આધુનિકરણ
- વોર્ડ નં.૧૪માં બોલબાલા રોડ, ગાયત્રીનગર પાસે કોમ્યુનિટી હોલ
- શહેરના ૧૦ વર્ષ જૂના એક રોડનું હેરિટેજ સિટી તરીકે બ્યુટિફિકેશન
- વોર્ડવાઈઝ સ્પોર્ટસના સાધનોની કિટનુંવિતરણ
- જન્મ-મરણના દાખલાની પ્રથમ પાંચ નકલ વિનામૂલ્યે અપાશે
- મેયર, ડે.મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને હવે ૧૮ લાખ તો વિપક્ષી નેતાને ૮ લાખની ગ્રાન્ટ
- પેડક રોડને `ગૌરવપથ’ તરીકે વિકસિત કરાશે
વિપક્ષના વોર્ડને પણ રસ્તાની `ભેટ’
મહાપાલિકામાં કોંગ્રેસના અત્યારે ચાર કોર્પોરેટરો ચૂંટાયેલા છે જે ચારેય વોર્ડ નં.૧૫માંથી આવે છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વિપક્ષના વોર્ડને પણ રસ્તા ડેવલપમેન્ટની ભેટ આપવામાં આવી છે. રાજકોટ લઘુ-મધ્યમ ઉદ્યોગ અને ઔદ્યોગિક ઉત્પાદનો માટે દેશભરમાં જાણીતું છે ત્યારે વોર્ડ નં.૧૫માં અમૂલ સર્કલથી નેશનલ હાઈ-વે સુધીના ૮૦ ફૂટ રસ્તા પર જુદા જુદાઉદ્યોગો, સરકારી પ્લોટ આવેલા છે. આ પ્લોટમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના ઉદ્યોગ મેળાઓ યોજાતાં હોય તેની મુલાકાત દેશ-વિદેશના લોકો લેતા હોય જેને ધ્યાનમાં રાખી ૮૦ ફૂટ રોડને નેશનલ હાઈ-વે સુધી ડેવલપ કરવામાં આવશે. આ માટે એક કરોડનો ખર્ચ કરાશે.