૮ મા વેતન પંચની રચના અંગે મહેસૂલ સચિવે શું સંકેત આપ્યો ? વાંચો
કેન્દ્ર સરકારે થોડા દિવસો પહેલા કર્મીઓ અને પેન્શનરોને ૮ મા વેતન પંચની મોટી ભેટ આપતી જાહેરાત કરી હતી. પગાર પંચની રચના માટેની સમયરેખા અંગે મહેસૂલ સચિવ મનોજ ગોયલે મંગળવારે સંકેત આપ્યો હતો કે તે બે મહિનાની અંદર સંભવતઃ એપ્રિલ સુધીમાં થઈ શકે છે.

એમણે મીડિયાને કહ્યું હતું કે અમને આશા છે કે ટૂંક સમયમાં જ પંચની રચના થશે, કદાચ એપ્રિલ સુધીમાં થોડા મહિનામાં આ કામ થઈ શકે છે . અમે ડ્રાફ્ટ ટર્મ્સ ઓફ રેફરન્સ પર ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને અન્યના મંતવ્યો માંગ્યા છે. એકવાર અમને તેમના મંતવ્યો અને સૂચનો મળી જાય પછી ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે અને કેબિનેટ પાસેથી મંજૂરી માંગવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીમંડળે આ પગલાને મંજૂરી આપ્યાના થોડા દિવસો પછી જ કેન્દ્ર સરકારના કર્મચારીઓના મનમાં આ પ્રશ્ન ઉદભવવા લાગ્યો હતો કે પંચની રચના ક્યારે થશે. જાન્યુઆરીમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી.
8મા પગાર પંચ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને ભથ્થામાં સુધારો કરવામાં આવશે, જેના કારણે પગારમાં વધારો થવાની સંભાવના છે. એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કેન્દ્રીય પેન્શનરો 8મા પગાર પંચની રચનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે તેમના મૂળ પગાર, ભથ્થાં, પેન્શન અને અન્ય લાભોનું મૂલ્યાંકનને અપડેટ કરશે.