હેલ્મેટ ઝુંબેશમાં નાયબ મામલતદારોને ટીઆરબીએ રોક્યા !
જિલ્લા કલેકટર કચેરીમાં હેલ્મેટ ઝુંબેશમાં ટ્રાફિક બ્રિગેડે દંડ કર્યાની પણ રાવ
રાજકોટ : મોટર વ્હિકલ એક્ટ મુજબ ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડ કરવાની સતા હેડ કોન્સ્ટેબલને હોવાની સાથે જ વાહન ચાલકોની આડા પડી રોકવાની સતા ન હોવા છતાં નિયમભંગ કરી રાજકોટ શહેરમાં અને હાઇવે ઉપર ટ્રાફિક બ્રિગેડના માણસો જ આવી કામગીરી કરતા હોવાનું જગજાહેર છે ત્યારે મંગળવારે હાથ ધરાયેલ હેલ્મેટ ઝુંબેશમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો હોદ્દો ધરાવતા અધિકારીઓને પણ ટ્રાફિક બ્રિગેડે રોકતા આશ્ચર્ય સર્જાયું હતું.

રાજ્ય પોલીસવડાના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં સરકારી કચેરીઓના પ્રવેશ દ્વારે મંગળવારે પોલીસ ગોઠવાઈ ગઈ હતી અને હેલ્મેટ પહેર્યા વગર આવેલા અનેક કર્મચારીઓ અને અધિકારીઓ દંડાયા હતા જેમાં રાજકોટ જિલ્લા સમાહર્તાની ઓફિસમાં પણ અનેક કર્મચારીઓ હેલ્મેટ ઝુંબેશમાં દંડાયા હોવાનું સામે આવ્યું છે. જો કે, રાજકોટ કલેકટર કચેરી ખાતે આશ્ચર્ય પમાડે તેવી આ ઝુંબેશમાં પોલીસને બદલે ટ્રાફિક બ્રિગેડના માણસો વાહન ચાલકોને રોકતા તેમજ દંડની પાવતી ફાળતાં નજરે પડયા હતા. અને કેટલાક કિસ્સામાં તો ટીઆરબીએ એકઝ્યુકેટીવ મેજિસ્ટ્રેટનો પાવર ધરાવતા અધિકારીઓને પણ રોક્યા હોવાનું સામે આવ્યું હતું.