ગૌતમ અદાણી માટે મોટી રાહતના સમાચાર : ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી કેસનો અંત આવશે, જાણો શું છે સમગ્ર મામલો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ ફોરેન કરપ્શન પ્રેક્ટિસ એક્ટ તાત્કાલિક અસરથી રદ કરવાના વહીવટી આદેશ પર હસ્તાક્ષર કરતા એ કાયદો હવે ભૂતકાળ બની ગયો છે. એ કાયદા હેઠળ વિદેશના અધિકારીઓનેલાંચ આપવાના કૃત્યને અપરાધ માનવામાં આવતો હતો. એટલું જ નહી ટ્રમ્પે એ કાયદા હેઠળ થયેલી ફરિયાદ ઉપરની તમામ કાર્યવાહી અટકાવી દેવાનો પણ આદેશ આપ્યો હતો. તેમના આ નિર્ણયને કારણે ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મોટી રાહત મળ્યાનું ચિત્ર ઉપસ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ કાયદો અમેરિકન કંપનીઓ માટે વૈશ્વિક મંચ ઉપર નુકસાનકારક છે. તેમણે કહ્યું,”
આ વાત કાગળ પર તો સારી લાગે છે, પરંતુ વ્યવહારમાં તે એક આપત્તિ છે,આનો અર્થ એ છે કે જો કોઈ અમેરિકન કોઈ વિદેશી દેશમાં જાય અને ત્યાં કાયદાકીય, વાજબી રીતે અથવા અન્ય રીતે વ્યવસાય શરૂ કરે, તો પણ તેની સામે આરોપો લાગવાનો અને ફરિયાદો થવાનો ભય ઝળુંબતો રહે છે .અને આના કારણે કોઈ પણ અમેરિકનો સાથે વ્યવસાય કરવા માંગતું નથી.”

સાથે જ તેમણે નવનિયુક્ત એટર્ની જનરલ પામ બોન્ડીનેએ કાયદા હેઠળની તમામ કાર્યવાહી અટકાવી દેવા આદેશ કર્યો હતો. તેમાં આ અગાઉ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા, ધંધો મેળવવા માટે વિદેશના સરકારી અધિકારીઓને લાંચ આપવા બદલ જેમની સામે કાર્યવાહી ચાલી રહી છે તે વ્યક્તિઓ અને કંપનીઓનો પણ સમાવેશ થાય છે.
અત્રે નોંધનીય છે કે યુએસ સિક્યુરિટી એક્સચેન્જ અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા આ કાયદા હેઠળ જ ગૌતમ અદાણી અને અન્યો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમની સામે એરેસ્ટ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. હવે અમેરિકામાં સત્તા પરિવર્તન બાદ ચિત્ર પલટ્યું છે. ફોરેન કરપ્શન પ્રેક્ટિસ એક્ટ રદ કરવાના નિર્ણય તેમજ નવી માર્ગદર્શિકાને કારણે અદાણી સામેની કાનૂની કાર્યવાહીમાં પણ નિર્ણાયક વણાંક અપેક્ષિત છે.
અદાણીની તરફેણમાં છે સાંસદો મેદાનમાં આવ્યા
સોમવારે છ અમેરિકન સંસદસભ્યોએ નવા એટર્ની જનરલ પામ બોન્ડીને પત્ર લખીને અદાણી ગ્રૂપના અધિકારીઓ પર ન્યાય વિભાગ (DoJ) દ્વારા થયેલી ફરિયાદની તપાસ માંગણી કરવામાં આવી હતી.એટર્ની જનરલ પામ બોન્ડીને મોકલેલા કડક શબ્દોવાળા પત્રમાં, છ અમેરિકન સંસદસભ્યો લેન્સ ગુડેન, પેટ ફેલોન, માઇક હેરિડોપોલોસ, બ્રેન્ડન ગિલ, વિલિયમ આર ટિમોન્સ અને બ્રાયન બેબિન એ કહ્યું કે DoJની કાર્યવાહી એક ભ્રામક ઝુંબેશ હતી જે ભારત જેવા “સ્ટ્રેટેજિક ભૂ-રાજનૈતિક ભાગીદાર” સાથે અમેરિકાના સંબંધને નુકસાન પહોંચાડી શકે છે.