દિલ્હીએ દિલ ખોલીને પ્રેમ આપ્યો : મોદી
આભાર સભામાં મોદી મોદીનાં ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યુ ભાજપનું કાર્યાલય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દિલ્હીવાસીઓએ ભાજપને દિલ ખોલીને પ્રેમ આપ્યો છે તે બદલ હું તમામનો આભાર માનુ છું અને ખાતરી આપું છું કે, આ પ્રેમના બદલામાં સવા ગણો વિકાસ કરીને પાછો આપશુ. ભાજપ મુખ્યાલય ખાતે આભાર સભામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દિલ્હીવાસીઓને દસ વર્ષની આપદામાંથી મુક્તિ મળી છે તેથી લોકોમાં ઉત્સાહ જોવા મળે છે સાથોસાથ શાસન ભાજપના હાથમાં આવ્યું તેનો લોકોને હાશકારો પણ છે.

નરેન્દ્ર મોદી કહ્યુ હતું કે, મેં દિલ્હીવાસીઓને એક પત્ર લખીને વિકસિત ભારતની વિકસિત રાજધાની બનાવવા માટે એક તક આપવા વિનંતી કરી હતી અને મારી ગેરેંટી ઉપર ભરોસો રાખવા બદલ હું માથું નમાવું છું. હવે લોકોને ભાજપનું સુશાસન જોવા મળશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, જેને પોતે દિલ્હીના માલિક હોવાનો ઘમંડ હતો તે દિલ્હીવાસીઓએ ઉતારી નાખ્યો છે. કેટલાક લોકોની શોર્ટકટની રાજનીતિનું શોર્ટસર્કીટ થઇ ગયુ છે.
નરેન્દ્ર મોદીએ અયોધ્યાની મિલ્કીપુરની પેટા ચૂંટણીમાં ભાજપના જીત બદલ પણ ખુશી વ્યક્ત કરી હતી. દેશમાં જે જે રાજ્યમાં એન.ડી.એ.ને જનાદેશ મળ્યો છે ત્યાં ત્યાં વિકાસની ઊંચાઈ મેળવી છે. કદાચ એટલે જ ભાજપને સતત વિજય મળી રહ્યો છે. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, બિહાર, આસામ, મણીપુર, અરુણાચલ સહિતના રાજ્યમાં ભાજપને બીજી વાર સત્તા મળી છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં પાણીની તંગી રહેતી હતી પરંતુ અમે સુશાસન આપીને ગુજરાતને કૃષિ ક્ષેત્રનું પાવર હાઉસ બનાવ્યું છે.
ભાજપના પ્રમુખ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે, પોતાને કટ્ટર ઈમાનદાર ગણાવતી આમ આદમી પાર્ટી કટ્ટર ભ્રષ્ટાચારી સાબિત થઇ હતી અને લોકો તેણે ઓળખી ગયા હતા. આપની સરકારે દિલ્હીવાસીઓને શિક્ષણ અને પાણીનાં નામે છેતર્યા હતા. તેમણે કોંગ્રેસની પણ ટીકા કરી હતી સાથોસાથ ભાજપે ચૂંટણીમાં જે વાયદા કર્યા છે તે તમામ પુરા કરવાની ખાતરી પણ આપી હતી.