મિલ્કીપુર બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો : યોગીએ અયોધ્યાનો બદલો મિલ્કીપુરથી લીધો, સપાનો પરાજય
લોકસભામાં અયોધ્યાની બેઠક ઉપર મળેલા પરાજય બાદ હવે અયોધ્યાની મિલ્કીપુર બેઠક પરની વિધાનસભાની ચૂંટણી ભાજપે જીતી લઈને અયોધ્યાની હારનો બદલો લીધો છે. આજે મતગણતરીની શરૂઆતથી જ ભાજપના ચંદ્રભાનુ પાસવાને પોતાની લીડ જાળવી રાખી હતી અને આખરે જીત મેળવી હતી. સમાજવાદી પાર્ટીના અજિત પ્રસાદને હારનો સામનો કરવો પડ્યો છે. તેમના પિતા અવધેશ પ્રસાદના સાંસદ બનવાને કારણે આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક ભાજપ અને સમાજવાદી પાર્ટી માટે પ્રતિષ્ઠાની લડાઈ બની ગઈ હતી.
ગયા વર્ષે 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરનું નિર્માણ અને રામ લલ્લાનો અભિષેક થયો હોવા છતાં, આ બેઠક પરની હારથી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના ભાજપની જીત કલંકિત થઈ ગઈ હતી. શનિવારે મતગણતરીની શરૂઆતથી જ ભાજપ સતત આગળ ચાલી રહ્યો હતો. અંતિમ પરિણામો આવ્યા ત્યાં સુધીમાં, આ અંતર ઘણું મોટું થઈ ગયું હતું. ભાજપના ઉમેદવાર ચંદ્ર્ભાનુ પાસવાન ૬૧,૭૧૦ મતની લીડથી વિજેતા બન્યા છે. ભાજપના ઉમેદવારને ૧,૪૬,૩૯૭ મત મળ્યા હતા જયારે સમાજવાદી પાર્ટીના ઉમેદવારને ૮૪,૬૮૭ મત મળ્યા હતા.

ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગીએ કોઈપણ કિંમતે મિલ્કીપુર જીતવાનું પોતાનું મિશન બનાવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટીએ જે રીતે પાયાના સ્તરે કાર્યકરોને એક કરવા અને બૂથ લેવલ મેનેજમેન્ટ પર કામ કર્યું, તેની અસર દેખાઈ રહી હતી. હવે યોગી આદિત્યનાથ 2027 ની વિધાનસભા ચૂંટણી સુધી આ મોડેલને અપનાવવાની તૈયારી કરી રહ્યા છે. સીએમ યોગીએ સતત મિલ્કીપુરની મુલાકાત લીધી અને ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. ચૂંટણી પરિણામોમાં તેની અસર દેખાઈ છે. આ પરિણામ બાદ યોગી આદિત્યનાથે ખુશી વ્યક્ત કરી છે અને ડબલ એન્જિન સરકારને અભિનંદન આપ્યા છે.