Delhi BJP CM Face: કોણ બનશે દિલ્હીના મુખ્યમંત્રી ?? ભાજપનો વનવાસ પૂર્ણ, CM પદની રેસમાં આ નામો આગળ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના ભવ્ય વિજય બાદ હવે મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે અનેક તર્ક વિતર્કો સાથે ભારે ઉત્તેજના ફેલાઇ છે. ભારતીય જનતા પક્ષે આ ચૂંટણી માં મુખ્યમંત્રીનો ચહેરો રજૂ કર્યો ન હતો. દિલ્હી ભાજપના પ્રમુખ સચદેવે કહ્યું કે અમે પક્ષના નામે ચૂંટણી લડ્યા હતા. અમે દિલ્હીની સમસ્યાઓ અને વિકાસના નામે લોકો પાસે મત માગ્યા હતા. અરવિંદ કેજરીવાલે મૂળ મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરી હતી પરંતુ પ્રજાએ તેમને જાકારો આપ્યો છે. તેમણે કહ્યું કે ભાજપના એક પણ નેતા સત્તા માટે ચૂંટણી નહોતા લડ્યા. મુખ્યમંત્રી કોણ બનશે તે નિર્ણય હવે કેન્દ્રીય મંત્રી મંડળ લેશે.
જો કે ચૂંટણીના પરિણામો બાદ મુખ્યમંત્રીના નામની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. એક સમયે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સામે કાલકાજીની બેઠક પર થી ચૂંટણી લડનાર અને કટ્ટર હિન્દુવાદી ચેહરો ધરાવનાર રમેશ બિધુરી મુખ્યમંત્રી પદના સંભવિત ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા પરંતુ તેમનો પરાજય થતાં તેઓ હવે રેસની બહાર છે. બીજી તરફ નવી દિલ્હીની બેઠક ઉપર અરવિંદ કેજરીવાલને પરાજય આપનાર પર્વેશ સાહિબ સિંઘ વર્મા જાયન્ટ કિલર તરીકે ઉભરી આવ્યા છે. કેજરીવાલ નો ગઢ ગણાતી નવી દિલ્હીની બેઠક ઉપર વિજય મેળવ્યા બાદ તેમનું નામ મોખરે આવી ગયું છે. નોંધનીય છે કે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી સાહિબ સિંઘ વર્માનાપુત્ર છે.
આ ઉપરાંત કારોલી બાગ બેઠક પરથી વિજય મેળવનાર દલિત નેતા અને ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી દુષ્યંત ગૌતમ નું નામ પણ ચર્ચામાં છે.

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મગનલાલ ખુરાના ના પુત્ર હરીશ ખુરાના ભાજપના દિલ્હી એકમના સેક્રેટરી અને પ્રવક્તા તરીકેની ફરજો બજાવી ચૂક્યા છે. તેમના નામ ઉપર પણ વિચાર કરાશે તેવું માનવામાં આવે છે. દિલ્હી પછી હવે ભાજપની નજર પંજાબ ઉપર છે ત્યારે
રાજોરી ગાર્ડનની બેઠક પરથી વિજય થયેલા મજીનદર સિંગ સિરસા ઉપર પણ પસંદગીનો કળશ ઢોળાઈ શકે તેવું અનુમાન છે.
સૌથી સિનિયર નેતા વીજેન્દ્ર ગુપ્તા
રોહિણીની બેઠક ઉપર સતત ત્રીજી વખત ચૂંટાયેલા વિજેન્દ્ર ગુપ્તા ભાજપના સૌથી વધારે સિનિયર ધારાસભ્ય છે. 2015 અને 2020 માં આમ આદમી પાર્ટીનું ઝાડું ફરી વળ્યું હતું ત્યારે પણ તેઓ વિજય થયા હતા. તેઓ દિલ્હી ભાજપના પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકેની જવાબદારી બજાવી ચૂક્યા છે.