સ્માર્ટ સિટી ઓથોરિટીના કર્મચારીએ ફરિયાદ નોંધાવી, જાગરણમાં વહેલી સવારે 4 વાગ્યા આસપાસ કોઈ કેમેરો કાઢી ગયું
રાજકોટના રેસકોર્સ ગેટ પરથી મનપાનો સીસીટીવી કેમેરો ચોરાયો છે. આશરે એક મહિના આંતરિક તપાસ ચાલ્યા બાદ કોઈ મળી ન આવતા ફરિયાદ નોંધાઇ છે. સ્માર્ટ સિટી ઓથોરિટીના કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે. જયા પાર્વતીના જાગરણમાં વહેલી સવારે 4 વાગ્યા આસપાસ કોઈ કેમેરો કાઢી ગયું હતું.
ફરિયાદી રવિભાઇ કીશોરભાઇ ૫માર (ઉ.વ-૩૧, રહે. બ્લોક નં-૧૦ બી વિંગ ભક્તીધામ સોસાયટી, ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટ)એ ફરિયાદમાં જણાવ્યું કે, રાજકોટ મહાનગર પાલિકાના કોમ્પ્યુટર વિભાગમાં છેલ્લા બે વર્ષથી નોકરી કરું છું.
ગત તા.૮/૭/૨૦૨૩ ના રોજ હું મારી ફરજ પર હતો. ત્યારે નાના મોવા સર્કલ ઉપર કમાન્ડ એન્ડ કંટ્રોલમાંથી ઇમેલ આવેલ કે રેસકોર્ષ પી.એચ.ક્યુ. ગેટ સર્કલ લોકમેળા ગેટ પાસે રહેલ લોકેશન કેમેરો ગઇ તા-૬-૭-૨૦૨૩થી બંધ છે. જેથી હું તથા ફિલ્ડ એન્જીનીયર કમલેશભાઇ સ્થળ ઉપર આવી કેમેરો જોતા કેમેરો જોવામાં આવેલ નહીં. અને કેમેરાનો વાયર કાપેલ જણાઇ આવેલ. જેથી ઉપરોક્ત કેમેરો ગઇ તા.૬/૭/૨૦૨૩ ના રાત્રીના 4 વાગ્યા ની આસપાસ કોઇ શખ્સ ચોરી કરી લઇ ગયેલાનું જણાતા પરત ઓફીસે આવી અમારા જનરલ મેનેજર સંજયભાઇ ગોહીલને વાત કરતા તેઓએ જણાવેલ કે, હુ કેમેરાની આગળ પાછળના કેમેરા ચેક કરી આવો કોઇ કેમેરો લઇ જતા જણાઇ આવે છે કે કેમ? તે જોતા કોઇ શખ્સ જોવામાં આવેલ નહીં. જેથી આ કેમેરો ખરેખર ચોરી થયાનું જણાતા એફ.આઇ.આર. દાખલ કરવા ઉપરી અધિકારીની સુચનાની રાહ જોવાના કારણે ફરીયાદ મોડી દાખલ કરાવેલ છે. આ ચોરી ગયેલ કેમેરો હનીવેલ કંપનીનો પી.ટી.ઝેડ મોડેલ જેની કિંમત આશરે ૧,૫૦,૦૦૦ની કોઇ શખ્સ ઉપરોક્ત તારીખ ટાઇમ અને સ્થળેથી કોઇ ઇસમ ચોરી કરી લઇ ગયો હોય તેની ફરિયાદ નોંધાવી છે.
