કારખાનેદારે ગેને ‘શિકાર’ બનાવી રૂા.૬૫,૦૦૦-મોબાઈલ પડાવ્યા
પીત્તળના કારખાનામાં નુકસાની જતાં ભરપાઈ કરવા માટે કર્યું કારસ્તાન: પડાવેલી રકમમાંથી જુગાર રમ્યો'ને હારી ગયો
ગ્રીન્ડર’ એપ મારફતે સલુનમાં નોકરી કરતાં ૧૯ વર્ષના યુવકને હોટેલમાં બોલાવી ન્હાતો વીડિયો ઉતારી લીધો’તો
સોશ્યલ મીડિયા પર ડેટિંગ એપનો રાફડો ફાટ્યો હોય અનેક લોકો તેનો ભોગ બની રહ્યા છે. આવી જ ગ્રીન્ડર' નામની ડેટિંગ એપ્લીકેશન કે જેનો મહત્તમ ઉપયોગ ગે એટલે કે સમલૈંગીકો કરતાં હોય તેનો લાભ લઈને જામનગરના કારખાનેદારે રાજકોટના ગેને
શિકાર’ બનાવી તેની પાસેથી ૬૫,૦૦૦ની રોકડ અને યુવકના ક્રેડિટ કાર્ડ મારફતે ૩૬૮૦૦નો નવો-નક્કોર મોબાઈલ ખરીદી લીધો હતો. કારખાનેદારે આ કારસ્તાનને અંજામ પોતાના પીત્તળના કારખાનામાં ગયેલી નુકસાનીની ભરપાઈ કરવા માટે કર્યું હોવાની કબૂલાત ધરપકડ બાદ આપી હતી.
આ અંગે કાલાવડ રોડ પર રહેતા અને સલુનમાં નોકરી કરતા યુવકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે ગ્રીન્ડર ડેટિંગ એપ મારફતે એક વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ ૪ ફેબ્રુઆરીએ તેને વાત કરનાર વ્યક્તિનો મેસેજ આવ્યો હતો અને કહ્યું હતું કે તે નાનામવારોડ પર જડ્ડુસ હોટેલની પાછળ હોટેલ નોવાબ્લીસમાં રોકાયો છે. આ પછી યુવક તેને બાઈક લઈને મળવા ગયો ત્યારે તે હોટેલના રૂમમાં લઈ ગયો હતો અને પોતાની ઓળખ શૈલેન્દ્રસિંહ ઉર્ફે પ્રકાશભાઈ સુરેન્દ્રસિંહ નીરબાન તરીકે આપી હતી. યુવક ગે હોય બન્નેએ વાતચીત કરી તેને મોહમાં ફસાવ્યો હતો. ત્યારબાદ કપડાં કાઢીને બાથરૂમની અંદર બન્ને ન્હાવા ગયા હતા. શૈલેન્દ્રસિંહ વહેલો ન્હાઈને નીકળી ગયો હતો પરંતુ દરવાજો ખુલ્લો હોય તેણે યુવકનો વીડિયો ઉતારી લીધો હતો.
વીડિયો ઉતાર્યા બાદ તેણે યુવકને વીડિયો બતાવી વાયરલ કરવાની ધમકી આપી તેના અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાંથી ૬૫૦૦૦ રૂપિયા ઓનલાઈન મેળવી લીધા બાદ યુવકનું પાકિટ કાઢીને તેમાં પડેલા ક્રેડિટ કાર્ડ મારફતે એસ્ટ્રોન ચોકમાંથી ૩૬૮૦૦નો મોબાઈલ ખરીદ કર્યો હતો.
આ અંગેની ફરિયાદ નોંધાતાં જ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ બી.આર.ભરવાડ સહિતની ટીમે આરોપીની ધરપકડ કરી આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે પોતાને જામનગરમાં પીત્તળનું કારખાનું છે જેમાં નુકસાની જતાં તેની ભરપાઈ કરવા માટે આ કામ કર્યું હતું. યુવક પાસેથી પડાવેલી રકમમાંથી અડધા પૈસા ઘેર આપી દીધા હતા જ્યારે બાકી રહેલા પૈસાનો જુગાર રમ્યો હતો જે હારી ગયો હોવાનું રટણ કર્યું હતું.
કારખાનેદારે વ્હોરા યુવકને પણ માર્યો’તો ૮૫,૦૦૦નો ધૂંબો !
તાલુકા પોલીસે પકડેલા જામનગરના કારખાનેદાર શૈલેન્દ્રસિંહ નીરબાને ગત ડિસેમ્બર મહિનામાં સદર બજારમાં તાર ઓફિસ પાછળ આવેલી મોહમ્મદી રેસિડેન્સીની `ડી’ વિંગમાં રહેતા વ્હોરા વેપારીને પણ ૮૫,૦૦૦નો ધૂંબો માર્યો હોવાનું ખુલ્યું છે. શૈલેન્દ્રસિંઘે અબ્બાસઅલી અકબરઅલી પૂનાવાલા પાસેથી પરિચયના નાતે ૮૫,૦૦૦ ટ્રાન્સફર કરાવ્યા બાદ તે પરત કર્યા ન હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી.