અમેરિકાએ 205 ભારતીયોને લશ્કરીવિમાનમાં બેસાડી રવાના કરી દીધા : ગેરકાયદે વસાહતીઓ સામેની ઝુંબેશ પુરજોશમાં
અમેરિકામાંથી ગેરકાયદે વસાતીઓને તગેડી મૂકવાની ડોનાલ્ડ ટ્રમ્પની ઝુંબેશ અંતર્ગત સોમવારે મોડી રાત્રે 205 ગેરકાયદે ભારતીય વસાહતીઓને રવાના કરી દેવાયા હતા. ટ્રમ્પે સતા સંભાળ્યા પછી ભારતીય નાગરિકોને દેશનિકાલ કરાયા હોય તેવી આ પ્રથમ ઘટના છે.
ન્યુઝ એજન્સી રોઈટરના જણાવ્યા અનુસાર સોમવારે મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ ટેકસાસના સન એન્ટોનિયો એરપોર્ટથી 205 ભારતીય નાગરિકોને લઈને યુએસ એરફોર્સનું AC – 17 એરક્રાફ્ટ રવાના કરવામાં આવ્યું હતું. દેશનિકાલ કરેલા તમામ નાગરિકોની ભારતીય નાગરિકતા અંગે ભારત સરકાર દ્વારા ચકાસણી કરી લેવાઇ હતી. આ વિમાન જર્મની ખાતે ફ્યુલ માટે રોકાણ કરી મંગળવારે મોડી રાત્રે દિલ્હી પહોંચશે તેવી ધારણા છે.
નોંધનીય છે કે અમેરિકામાં 7.25 લાખ ભારતીયો ગેરકાયદે રીતે વસી રહ્યા છે. તેમાંથી 18 હજાર નાગરિકોની ભારત અને અમેરિકા બંનેએ ઓળખ કરી લીધી છે. આ અગાઉ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબીઓ સાથે વાતચીત કર્યા બાદ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમેરિકામાં વસતા તમામ ગેરકાયદે ભારતીય નાગરિકોને સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે થયેલા ટેલીફોનિક વાર્તાલાપમાં પણ ટ્રમ્પે એ મુદ્દો
ચર્ચ્યો હતો અને ભારતીય નાગરિકોને પરત લેવા માટે મોદી ‘ યોગ્ય નિર્ણય જ કરશે ‘ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સોમવારે અમેરિકાએ દેશનિકાલ કરેલ પ્રથમ જથ્થામાં ગુજરાતીઓ પણ હોવાનું માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત ભારતમાંથી હજારો લોકો લાખો રૂપિયા ખર્ચને ડંકી માર્ગે અમેરિકામાં પ્રવેશ્યા હતા અને હવે એ તમામ ગેરકાયદે વસાહતીઓ પર દેશનિકાલનું જોખમ તોળાઈ રહ્યું છે.
નવ દિવસમાં 7300 લોકોને હાંકી કઢાયા
ટ્રમ્પે સતા સંભાળ્યાના પ્રથમ 9 દિવસમાં જ વિવિધ દેશોના 7300 ગેરકાયદે વસાહતીઓને દેશનિકાલ કરી દીધા છે. તેમાં ગુએટમાલા, બ્રાઝિલ, કોલંબિયા, મેક્સિકો, ફિલિપાઇન્સ વગેરે દેશોનો સમાવેશ થાય છે. એ યાદીમાં આવે ભારતનું નામ પણ ઉમેરાઈ ગયું છે.
અત્યાર સુધીમાં લગભગ 72 00 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એ ઉપરાંત કસ્ટમ એન્ડ બોર્ડર
પ્રોટેક્શન વિભાગ દ્વારા વધુ 5400 લોકોની અટકાયત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં વસાહતીઓને દેશ નિકાલ કરવા માટે ટ્રમ્પ વહીવટી તંત્ર લશ્કરી વિમાનોનો
ઉપયોગ કરી રહી છે.